________________
આવે પણ એ પછી જે કોઈ મંડળ કે સંસ્થા એમને નિમંત્રણ આપે ત્યાં એ હરખભેર પહોંચી જાય. નિમંત્રણ મળે એટલે ના પાડવાની એમનામાં હિંમત નથી. પોતાના સમયના અભાવનો વિચાર ના કરે પણ સામી વ્યક્તિને ખોટું લાગશે એનો વિચાર કરે. એક વાર હા પાડે પછી સમયસર પહોંચી જાય. સ્થળ, સમય અને પ્રસંગને અનુરૂપ વાર્તાલાપ આપે. એમની વાણીમાં જુસ્સો છે, અકલ્પ જાદુ છે. શબ્દોની સરળતામાં મીઠાશ છે, સૌથી વિશેષ તો સચ્ચાઈ અને ઊંડા અભ્યાસનો રણકો છે, લોકહૈયે પહોંચવાની શક્તિ છે. કોઈ પણ વિષય પર બોલવાનું હોય તો એ બોલી શકે છે. વક્તા તરીકે આમંત્રણનો સ્વીકાર કર્યા પહેલાં કેવા પ્રકારના શ્રોતા છે, કેવા પ્રકારનો પ્રસંગ છે, કેવા પ્રકારનું બોલવાનું છે એ બધું જાણી લે છે. એ પછી પોતાના વક્તવ્ય વિશે જરૂરી જાણકારી કે માહિતી મેળવી લે છે.
કુમારપાળ આડેધડ કદી બોલતા નથી. એટલે તો એક વક્તા તરીકે સારી છાપ પાડે છે. શ્રોતાઓને ઉપયોગી થઈ પડે, સાથે સાથે રસ પડે, જીવનનો કોઈ મર્મ હોય, જીવનની કોઈ ફિલોસોફી હોય, એ બધું એમના વક્તવ્યમાં હોય છે. વક્તવ્ય વખતે એમના વદન પર સદાય હાસ્ય રમતું હોય છે. એમના વાર્તાલાપમાં એક પ્રકારની રસિકતા હોય છે, શબ્દોની ચીવટપૂર્વક પસંદગી હોય છે. બિનજરૂરી લંબાણ નથી હોતું. સદાબહાર એમનાં વક્તવ્યોમાં જાણે યૌવન અને તાજગી ધબકતાં હોય છે. એમાંય જૈનદર્શન વિશે બોલતા હોય ત્યારે તો કોઈ મહર્ષિની આર્ષવાણીનો સાક્ષાત્કાર થાય છે. આથી જ અમેરિકા કે અન્ય દેશો એમની વાણી પાછળ ઘેલા છે, એમને સાંભળવા ઉત્સુક હોય છે. એક અમેરિકન ગુજરાતીના કહેવા પ્રમાણે અમેરિકામાં લોકો ચાતક નયને એમના આગમનની રાહ જોતા હોય છે. કુમારપાળ, અભિનંદન ! વિદેશીઓનાં હૈયાંને હચમચાવવાં એ કામ સહેલું નથી.
સીધા, સાદા અને સૌજન્યશીલ કુમારપાળ મિતભાષી છે. એમના મુખેથી કોઈ કડવાં વચનો કદી ન નીકળે. વાણી પર ખૂબ પ્રભુત્વ છે તો વાણી પર કાબૂ પણ છે. વાણીથી સહુ કોઈને ખુશ રાખવાની કળા આ માનવમનના અભ્યાસીને સિદ્ધ છે. બાળકોથી માંડી વડીલો સુધી સ્ત્રીપુરુષ સૌના હૈયાને સ્પર્શી જાય એવી વાતો કરવાની એમની સૂઝ અને સમજ છે. એક વિશિષ્ટ પ્રકારના એ સંશોધક છે. એ બાળસાહિત્ય અને પ્રોઢ સાહિત્યના લેખક છે, એ વાર્તાકાર છે, એ વિવેચક છે. એમના સાહિત્યના ઊંડા અભ્યાસીને એમના સમગ્ર સર્જનમાં – પછી એ રમતના મેદાનની વાત હોય, ઈટ અને ઇમારતની વાત હોય, પાંદડું અને પિરામિડની વાત હોય, એ સર્વ સર્જનમાં એક કવિની રસિકતા છે, નવલકથાકારની જેમ પ્રસંગો અને પાત્રોને સુંદર રીતે આવરી લેવાની કળા છે, નવલિકાકારની જેમ ચોટદાર શૈલીમાં ટૂંકામાં રજૂ કરી ચમત્કારિક અંત લાવવાની ચપળતા છે.
542
ગરવી ગુજરાતનું ગૌરવ