________________
મિત્રની પડખે ઊભા રહેવાની એમની નિસ્વાર્થ ભાવના હતી. કદી કશાની અપેક્ષા એમણે રાખી નથી. સદ્ભાગ્યે પ્રભુએ એમને બધી રીતે બહુ આપ્યું છે.
અમે ઘણી વાર સાથે મળીને સાહિત્ય અને શિક્ષણ-અધ્યાપનની ચર્ચા કરતા. એક સહૃદયી મિત્ર તરીકે એ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા. એમનાં સૂચનોમાં વાસ્તવિકતા હતી. એમના વાચન અને અભ્યાસની પ્રતીતિ થતી. મિત્રને કે વિદ્યાર્થીને ખોટું લાગે એવા ઊંચા સાદથી કુમારપાળ કદી ન બોલે. એવી મીઠાશથી સલાહસૂચન આપે કે સામેની વ્યક્તિ પીગળી જાય. મિત્રને અને વિદ્યાર્થીને ઓળખવાનો એક મોટો ગુણ એમનામાં છે. એને કારણે જ એ ઘણા મિત્રો બનાવી શક્યા છે અને વિદ્યાર્થીઓના પ્રિય બન્યા છે. મૈત્રી બાંધવી સહેલી છે, એને ટકાવી રાખવી અઘરી છે. કુમારપાળ મૈત્રી ટકાવી શક્યા છે. કામમાં ગમે તેટલા વ્યસ્ત કે વ્યગ્ર હોય પણ આંગણે આવેલા મિત્રને મીઠા હાસ્ય સાથે એ આવકારે છે, એની આગતા-સ્વાગતા કરે છે – પછી ઘર હોય કે ઑફિસ હોય.
કુમારપાળનો મોટામાં મોટો ગુણ ગૌરવવંતા ગુજરાતીઓનાં ગુણગાન ગાવાનો અને એમના પ્રદાનનો ઉલ્લેખ કરી એમને જાહેરમાં અને ખાનગીમાં સન્માનવાનો છે. ઘણા બધાના જીવનઘડતરમાં એમનો મોટો ફાળો રહ્યો છે. ખાસ કરીને ઉમાશંકર જોશી અને ધીરુભાઈ ઠાકરના ઋણની પ્રસંશા કરતાં અને એમના પર પડેલા એમના પ્રભાવનો ઉલ્લેખ કરતાં એ કદી અચકાતા નથી. આવા મહાનુભાવોની વિચારસરણી જળવાઈ રહે એ હેતુથી સાહિત્ય પરિષદ કે અકાદમી જેવી સંસ્થાઓના વિકાસમાં એમનો અનન્ય ફાળો રહ્યો છે.
શિક્ષણક્ષેત્રે કુમારપાળનો વિશિષ્ટ અને અમૂલ્ય ફાળો રહ્યો છે. લગભગ ચાલીસ વર્ષથી અધ્યાપન કરી રહેલ આ અધ્યાપક એમની નિષ્ઠાને કારણે એક પછી એક ઉચ્ચ પદો સર કરી આજે ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીનના પદે પહોંચ્યા છે. શિસ્ત, શ્રમ અને સચ્ચાઈના એ બહુ આગ્રહી રહ્યા છે. એમના વિદ્યાર્થીઓ એમનાં જ્ઞાન, એમનાં વાચન, એમની લઢણ અને સમગ્ર શિક્ષણ પદ્ધતિના પ્રશંસક રહ્યા છે. એમના વિદ્યાર્થીઓના મુખે કુમારપાળનાં વખાણ મેં સાંભળ્યાં છે. વિદ્યાર્થીઓમાં પ્રિય, અતિ પ્રિય. કુમારપાળનો આત્મા શિક્ષકનો છે અને સદા શિક્ષકનો જ રહેવાનો. કુમારપાળ જેવા નિર્મળ, પ્રેમાળ અને બહુશ્રુત અધ્યાપકની કેટલી ઊંડી અસર વિદ્યાર્થીઓ પર છે એ તો કોઈ વિદ્યાર્થી જ કહી શકે.
કુમારપાળે ગુજરાતમાં નામના મેળવી એના કરતાં વધારે નામના અમેરિકામાં મેળવી છે. અમેરિકાના પ્રત્યેક રાજ્યમાં વસતા માત્ર જૈન જ નહિ, દરેક ગુજરાતી એમનાં લખાણો વાંચે છે, સમજે છે, એમને સાંભળવા માઈલોના માઈલો સુધી જાય છે. જૈન ધર્મની સંસ્થા દ્વારા એ અમેરિકા
54
જય ગજ્જર