________________
સાહિત્ય-સર્જક તરીકે અભ્યાસક્રમમાં નર્મદ હતા. ડાંડિયો' સામયિક નર્મદ કેટકેટલી આર્થિક સંકડામણો વેઠીને પણ બહાર પાડતા તેની વાત કરતાં કરતાં દેસાઈસાહેબે કહેલા શબ્દો યાદ આવે છે. “તમારામાંથી કોઈને કે તમારા ધ્યાનમાં કોઈ આવા સાહિત્યસર્જક-મિત્રને આર્થિક મુશ્કેલી હોય તો મને મળજો.” કેવું સંવેદનશીલ, કરુણાસભર અને ઉમદા વ્યક્તિત્વ ! એમને નિસ્પૃહભાવે એમના વિદ્યાર્થીઓનું જે હિત અને વિકાસ ઇજ્યાં એટલું જ નહીં, પણ જે યોગદાન આપ્યું છે તે અવર્ણનીય છે. એમની આવી સહૃદયતા એમને ગુરુકુળના ગુરુ બનાવે છે.
આવા સેવાપરાયણ ગુરુ મળવા એ પણ એક ભાગ્યની વાત છે. પોતાનાં વર્ગવ્યાખ્યાનોમાં નિર્લેપ સ્નેહ દ્વારા સતત હૂંફ આપે, આત્મવિશ્વાસ જગાવે અને વિદ્યાર્થીઓને ઉદાત્ત બનાવે. અમને એમ.એ. ભાગ-૧માં પશ્ચિમની સાહિત્યમીમાંસા ભણાવે પ્લેટો – ઍરિસ્ટોટલના અનુકરણવિચાર વિશે વાત કરતાં માર્મિક રીતે કહે : “પ્લેટોનો વાંધો કુ-કવિઓ સામેનો હતો, સુ-કવિઓ સામેનો નહીં.”
લોન્જાઇનસની ઉદાત્તતાની વિભાવના ચર્ચતા, નરસિંહ, મીરાં, ગોવર્ધનરામ, ન્હાનાલાલ જેવા ગુજરાતી સારસ્વતોનાં ઉદાહરણોની સાથે સાથે ટાગોર, પ્રેમચંદ, કાલિદાસ, ભવભૂતિ, શેક્સપિયર, દાજો વગેરે જેવા વૈશ્વિક સારસ્વતોના સાહિત્ય-સર્જનમાંથી ઉદાહરણો આપી – સમજને પુષ્ટ કરે. એટલું જ નહીં પણ ગાંધીજી, મધર ટેરેસા, રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ જેવી વિભૂતિઓ દ્વારા જિવાયેલા ઉદાત્ત જીવનની વાત કરી વિદ્યાર્થીઓમાં ઉમદા ચરિત્ર વિકસે તે હેતુથી સંસ્કારસિંચન કરે. ગાંધીજી વિશે વાત કરતાં એક વખત કહે: “ગાંધીજી પ્રત્યેક માનવમાં ઈશ્વરનો અનુભવ કરતા. અન્યના દુઃખે દુઃખી થવું એ ગાંધીજીનું સ્વ-કર્મ હતું, એ જ એમનો સ્વધર્મ હતો.” ધર્મની, આધ્યાત્મિકતાની સાચી વિભાવના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ દેસાઈસાહેબની વર્ગ-વ્યાખ્યાનોની મુખ્ય લાક્ષણિકતા હતી. આ રીતે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં ઉદાત્ત બનાવતાં તેમના એ વર્ગ-વ્યાખ્યાનો દેસાઈસાહેબમાં રહેલાં ઉદાત્ત આધ્યાત્મિક સારસ્વતનાં દર્શન કરાવે છે.
વિદ્યાર્થીને પોતીકો બનાવવાની ભાવનાવાળા, વિદ્યાર્થી સાથે આત્મીય સંબંધ બાંધીને તેની ભરપૂર માવજત કરનારા એક સ્વ-જન તરીકે મેં એમને નિહાળ્યા છે. મારા પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકેનાં એમની સાથેનાં અનેક સંસ્મરણો મને યાદ આવે છે. એક દિવસ હું શોધનિબંધનું એક પ્રકરણ ચકાસરાવવા આપવા માટે સાહેબના ઘેર ગયો. સાહેબ જમતા હતા. મને આવેલો જોઈ જમતાં જમતાં ઊભા થઈ મારો હાથ પકડી પ્રેમાગ્રહપૂર્વક મને સાથે જમવા બેસાડ્યો ત્યારે જ જંપ્યા. કેટલાક સંબંધો એવા હોય છે, જેને પ્રેમસંબંધ સિવાય બીજું નામ ન આપી શકાય. દેસાઈસાહેબ એટલે પ્રેમનું મૂર્ત રૂપ.
511 દીપક પંડ્યા