________________
ગુજરાત સમાચારમાં તેઓની રમતગમતની કૉલમ વાંચવાનો આનંદ સાચે જ અનેરો ! અને એમના લેખો-વિષયો પણ એવા હોય કે વાચકોને અવનવું જાણવાનું મળે. સમયના વહેણ સાથે તેઓએ આ દૈનિકમાં જ અન્ય વિષયો પર પણ કસબ જમાવ્યો, પરંતુ મેં તો તેમની રમતગમત કૉલમને જ વધુ માણી છે એ નિશ્ચિત!
એક જ વ્યક્તિ દ્વારા વર્ષોનાં વર્ષો સુધી એકથી વધુ ક્ષેત્રને આવરી લેતી કૉલમો એકથી વધુ અખબાર કે મેગેઝીનમાં લખતા રહેવું એ સાચે જ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે એ તો જે વેઠે તે જ જાણે.
એક વ્યક્તિ તરીકે અનેરી સફળતા મેળવ્યા છતાં તેઓનામાં મેં કદી અભિમાન કે તોછડાપણાનો અંશ નથી નિહાળ્યો. કામનું ભારણ હોય કે અન્ય વ્યસ્તતા હોય તેઓએ નમ્રતા નથી છોડી એ બાબત ઘણું બધું કહી જાય છે.
એ સાચે જ મારું સદ્ભાગ્ય હતું. કે સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા ૧૭મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ યોજાયેલા વિવિધ એવોર્ડ વિતરણ સમારંભ દરમ્યાન ડૉ. કુમારપાળને અને મને પ્રતિષ્ઠિત “સી. કે. પીઠાવાલા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. એ સાચે જ મારા માટે અવિસ્મરણીય પળ હતી. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર શ્રી અંશુમાન ગાયકવાડ મારતી મોટરે અહીં આવવાનું સૌજન્ય દાખવી ગયા અને જ્યારે તેમણે કુમારપાળ દેસાઈને એવોર્ડ આપ્યો ત્યારે તેઓ નમ્ર ભાવે બોલ્યા કે હું ૧૨ વર્ષનો છોકરો હતો ત્યારથી તેમને વાંચું છું આજે તેમના મારા હાથે એવૉર્ડ આપતી વખતે હિટ વિકેટ થવા જેવો અનુભવ કરું છું. આ કાર્યક્રમ સમાપ્તિના એકાદ અઠવાડિયામાં જ એવા સમાચાર મળ્યા કે ડૉ. કુમારપાળને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો ખિતાબ એનાયત થશે. આ સન્માન પ્રાપ્ત થઈ જ ચૂક્યું છે ત્યારે તેઓની આ સિદ્ધિએ દરેક ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.
યુવાનોને શરમાવે એવી નિષ્ઠા અને લગનના સથવારે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ આવનારાં વર્ષોમાં યુવા પેઢી માટે ઉપયોગી થઈ પડે એવી અનેક રચનાઓ કરશે એવી અભ્યર્થના સાથે હું એમને તંદુરસ્ત દીર્ધાયુ ઇચ્છું છું.
આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ અમ્પાયર અને રમતગમતના કૉલમ-લેખક
48
અકલ્પનીય પરિશ્રમના સ્વામી