________________
પરમતત્ત્વની ઉપલબ્ધિનો આનંદ અખામાં અને આનંદઘનમાં તેવો ઉત્કટ રીતે પ્રકટ્યો છે, તેની તુલના પણ કરી છે. અખો અને આનંદઘન તો સમકાલીન હતા, તો આનંદઘન અને મીરાં તો એક જ ભૂમિનાં સંતાનો હતાં. આ ત્રણેની પદકવિતામાં તત્ત્વજિજ્ઞાસા અને કાવ્યાનંદપિપાસાથી લટાર મારીને ડૉ. કુમારપાળે એમની કવિત્વશક્તિનો સંક્ષેપમાં પણ સુપેરે તુલનાત્મક આલેખ દોરી આપ્યો છે.
આ બધા અભ્યાસલેખોમાં ડૉ. દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વક્તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રોઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે, તેથી એમાં ક્યાંય પાંડિત્યની દુર્બોધતા નથી. યથાવકાશ મૂળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમના સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનપૂત આલોચના એમનું મૂલ્યવાન પ્રદાન છે.
21
ભાનુપ્રસાદ પંડયા