________________
જૈન ધર્મમાં ‘સમવાય’ની જે વિભાવના છે તે કુમારપાળભાઈને પૂરી રીતે લાગુ પડે છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત ભાગ્ય અને સૌથી વધુ પુરુષાર્થ એમનાં કાર્યોને સફળતા અપાવે છે. કાળ એટલે સમય એમનો પરમ સખા છે. સ્વભાવ એટલે સિંહનો પુત્ર સિંહ થાય તેમ ‘જયભિખ્ખુ’ના પુત્ર કુમારપાળ થાય. સર્જકના સંસ્કાર છે. બધું ઉત્તમ ક૨વું અને શબ્દ દ્વારા લોકોને આપવું એ એમની નિયતિ છે. પૂર્વજન્મની પુણ્યાઈ છે જેથી અપ્રમાદથી બધું કરી શકે છે અને મૂળ વસ્તુ તે એમનો પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ, અથાક કર્મનિષ્ઠા છે. જે કાર્યસિદ્ધિ લાવે છે.
આજે એમનાં કાર્યોનો વ્યાપ માન્યામાં નથી આવતો તો આવતી કાલે આ બહુભુજ’ની કાર્યશક્તિને કેમ માની શકાશે ! હા, કરવા જેવું એક કામ એ છે કે એમની કામ કરવાની પદ્ધતિમાંથી પ્રેરણા લેવી, એમની સફળતાને સમજવી, એમના ઓજારોને તપાસવા અને એમના વ્યવહારુ જ્ઞાનને પામવા પ્રયત્ન કરવો.
સમય અને કુમારપાળ બન્ને પરમ મિત્રો. એકમેકના ખભે હાથ મૂકીને સસ્મિત ચાલી રહ્યા છે અને નવા નવા માર્ગો ઊઘડતા રહે છે.
377
ગુલાબ દેઢિયા