________________
ગયેલી. એ જ ‘શ્રી જયભિખ્ખુ'ને શ્રી ધીરુભાઈના આંગણે આવતા-જતા જોઈ આનંદ થતો. કોઈ વિશેષ વ્યક્તિને જોયાની ગૌરવભરી લાગણી અનુભવાતી. એવામાં, વિદ્યાર્થી ગણવેશમાં સજ્જ શ્રી કુમારપાળભાઈને ત્યાં જોયાનું સ્મરણ પણ માનસપટ ઉપર અંકિત છે. એ જ કુમારપાળને, પછી તો ગુજરાત કૉલેજમાં એકાદ વર્ષ જુનિયર સહાધ્યાયી રૂપે પણ જોયા અને શ્રી ધીરુભાઈના પ્રિય શિષ્ય તથા હવે સહકર્મયોગી રૂપે પણ જોયા.
૧૯૬૫માં શારદામંદિર – વિનયમંદિર(અમદાવાદ)ના આચાર્યપદેથી નિવૃત્ત થયેલા મારા પિતા વજુભાઈ દવેને ઈંટ અને ઇમારત'ની શ્રેણીમાં, શ્રી જયભિખ્ખુએ અદ્ભુત રીતે એક ઉત્તમ કેળવણીકાર તરીકે નવાજેલા. એ અહોભાવ મારા મન હૃદયમાં સંગ્રહાયેલો હતો અને ૧૯૭૨માં વજુભાઈના સ્વર્ગવાસ પછી, શ્રી કુમારપાળભાઈની કલમે પણ તેમને જે અંજલિ ઈંટ અને ઇમારત'ના માધ્યમથી આપી તે એક શિરોધાર્ય ઋણ મને સ્પર્યું. પિતા અને પુત્રની લેખિનીએ ‘ગુજરાત સમાચાર’ની આ કટારના માધ્યમથી અનેક ઘરદીવડા અને સમાજદીવડાઓને વિશાળ જનસમુદાય સમક્ષ તરતા મૂક્યા છે. બંનેની કલમનો કસબ એકધારો ગુજરાતી વાચકોની બંને, કે હવે તો ત્રીજી પેઢીને પણ ઉજાગર કરતો રહ્યો છે. ઉપરનાં બંને પ્રસંગોચિત લખાણોમાં, વજુભાઈને પ્રત્યક્ષ ભાગ્યે જ મળ્યા હોવાના સંજોગોમાં પણ વ્યક્તિને તેના કામ અને ત્યાગની ભાવનાથી મૂલવવાની, સમાજમાં તેની વ્યાપક મહેકથી તેને પિછાણવાની લેખકની તાકાતને હું બિરદાવું છું.
હવે પછીનો મુકામ છે લગભગ અગિયાર વર્ષ પછીનો, ૧૯૮૨-૮૩ની સાલનો. નવરંગપુરા વિસ્તારના આઈ. જે. વિદ્યાવિહારમાં શિક્ષણ અને સંચાલનની કામગીરી મારી સંભાળ હેઠળ ચાલતી હતી. ધો. ૫-૬-૭ના ગુજરાતી વિષયનાં પાઠ્યપુસ્તકોમાં શ્રી કુમારપાળભાઈ લિખિત પાઠનો સમાવેશ અને શાળાનાં કિશોરવયનાં બાળકો, તેમની રમતગમતની અખબારમાં પ્રગટ થતી શ્રેણીથી પણ પરિચિત. આ નવી પેઢીને, શ્રી કુમારપાળભાઈને પ્રત્યક્ષ મેળવી આપવાની તક ઊભી કરી. શાળાના આંગણે એક સમારંભમાં અતિથિવિશેષના સ્થાન માટે મેં શ્રી કુમારપાળભાઈને આમંત્રણ આપવા સંપર્ક સાધ્યો. એ જ ખુશહાલ ચહેરે, આત્મીયતાના ભાવને ઓપ આપતી સૌજન્યશીલ નજરે તેમણે મારા આમંત્રણનો સ્વીકાર કર્યો, ત્યારે મારા વિદ્યાર્થીઓ માટે કાંઈક નવું કર્યાનો મારો ભાવ બેવડાયો. શાળાના અમારા વિદ્યાર્થીઓ સાથે શ્રી કુમારપાળભાઈનું આ મિલન સૌના મનમાં મધુર - અમીટ છાપ લગાવી ગયું.
જીવનનેયાની સફરનો હવેનો ઘાટ છે વર્ષ ૧૯૯૮નો. સવિચાર આચાર અને સદ્ભાવની પુનરાવૃત્તિ પણ આવકારવાપાત્ર હોય છે. ગુજરાતના મૂર્ધન્ય કેળવણીકાર વજુભાઈની જન્મશતાબ્દીનો ઉત્સવ તેમના પ્રિય વિદ્યાર્થીઓ અત્યંત આદર અને શ્રદ્ધાપૂર્વક
344
મધુર અમીટ છાપ