________________
સમય રહે? એમણે સર્જન-વિવેચન અને પત્રકારત્વનાં ક્ષેત્રે પોતાના અભ્યાસ અને અનુભવના નિચોડ રૂપે ઠીક ઠીક સંખ્યામાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે. પત્રકારક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા આવતીકાલના પત્રકારોને ઉપકારક નીવડે તેવાં તેમનાં પુસ્તકો પત્રકારત્વના ક્ષેત્રે તેમના મહત્ત્વના અર્પણરૂપ છે.
એવું જ સાહિત્યના ક્ષેત્રે પણ બની આવ્યું છે. એમનાં પ્રકાશિત ચરિત્રો તો સુવાચ્ય છે જ, પણ શબ્દસમીપ’ જેવા વિવેચનસંગ્રહમાં પણ સાહિત્યમાં તેમનો રસ કેવો જીવંત છે અને કેવી તટસ્થતાથી સહૃદયતાપૂર્વક એ કૃતિઓની સમીક્ષા કરે છે તેનો અનુભવ થાય છે, પણ સાહિત્યનાં વધુ સર્જન-વિવેચન તેમની પાસેથી મળવાં જોઈએ એવી માગણી આપણે અવશ્ય કરી શકીએ. સાહિત્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે ગાઢપણે સંકળાયેલા આપણા કુમારપાળ પાસેથી એવી અપેક્ષા આપણે રાખીએ તો તે ઉચિત જ ગણાય.
કુમારપાળ માત્ર ધર્મ, સાહિત્ય કે સમાજ માટે કલમ ચલાવનારા કલમવીર નથી. એક વહીવટકાર તરીકે પણ તેમની કુશળતા એવી જ ધ્યાનપાત્ર છે. વહીવટ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે કરવાનો હોય કે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ તરીકે કરવાનો હોય કે ગુજરાત સાહિત્યસભાનાં કાર્યો પાર પાડવાનાં હોય એમની નીતિ-રીતિ એમના વ્યક્તિત્વની ઘાતક છે. એમના વહીવટમાં પારદર્શિતા અવશ્ય જોવા મળે. નાનામાં નાની બાબત જેમકે વ્યાખ્યાન માટેનાં કાર્ડ છપાવવાનાં હોય અથવા કાર્યનો એજન્ડા નક્કી કરવાનો હોય કે સાહિત્યનો મોટો સમારંભ યોજવાનો હોય, એ આદિથી અંત સુધી બધું જ વિચારીને આયોજન ગોઠવે છે. એમના સાહિત્યિક કે વહીવટી કે અન્ય લખાણમાં સુઘડતા, સ્પષ્ટતા અને શિષ્ટતા તરત જ ધ્યાન ખેંચશે.
ડૉ. ધીરુભાઈ ઠાકર આપણા એક પીઢ પ્રતિષ્ઠિત વિવેચક-નાટ્યકાર અને શિક્ષણકાર છે. ગુજરાતની અસ્મિતાનો મહિમા થાય, ગુજરાતનું ગૌરવ વધે એવી ઉચ્ચભાવનાને કારણે તેમને વિશ્વકોશના આયોજનનો વિચાર ઉદ્ભવ્યો. આ ભગીરથ કાર્ય કેમ આરંભાશે, ક્યારે પૂરું થશે તેની ચિંતા તો હતી જ, પણ એમની ભાવનાનાં રૂડાં ફળ મળ્યાં. એમણે “વિશ્વકોશ'નું ભવ્ય આયોજન કર્યું. આર્થિક સહાયો મળતી રહી. આ વિશ્વકોશના કાર્યમાં ધીરુભાઈ ઠાકર સાથે હૃદયપૂર્વક સહયોગ કરનારા પણ કુમારપાળ દેસાઈ જ છે. એમના અનન્ય સહકાર વિશે તો ડૉ. ધીરુભાઈ જ કહી શકે. ડૉ. ધીરુભાઈ વિશ્વકોશના આત્મા છે તો કુમારપાળ તેનું હૃદય છે. વિશ્વકોશની પ્રવૃત્તિ સતત ચાલતી રહે, તેનાં અધિકરણો વિધવિધ વિદ્યાશાખાના નિષ્ણાતો દ્વારા લખાતાં રહે, પ્રકાશનો માટે આર્થિક સહાયની ખોટ ના પડે તે માટે વિશ્વકોશના પ્રણેતા ડૉ. ધીરુભાઈની સાથે ડૉ. કુમારપાળનો સહયોગ કદી ભૂલી શકાય નહિ.
19 મધુસૂદન પારેખ