________________
પેલા સ્વભાવગત થઈ ગયેલા ચાર ગુણના કારણે કુમારપાળે હાંક્યા વિના ધીરુભાઈ ઠાકર અને વિશ્વકોશમાં કામ કરતાં ૪૦ કાર્યકરોના સહકારથી ૧૮ ગ્રંથ પૂરા કરી દેખાડ્યા તથા હજી કામ પાછું ચાલુ જ છે. કામ શરૂ થયું ત્યારે આવા કામ માટે જેનાં ફાંફાં હોય છે એ ધનનાં સાંસાં હતા. પરંતુ અગાઉની એક ગુજરાત સરકારે જેમ ગુજરાતી સાહિત્ય પરિષદને રૂ. ૫૦ લાખ આપ્યા એમ વિશ્વકોશ પ્રકલ્પને રૂ. અઢી કરોડ આપવાનું નક્કી કર્યું. ગુજરાત સરકારે જ અમદાવાદના ઉસ્માનપુરા જેવા મધ્યસ્થળ વિશ્વકોશ વિશ્વવિદ્યા સંકુલ બાંધવા જમીન આપી છે. મકાનનું કામ લગભગ પૂરું થવામાં છે.
કુમારપાળ (અને પ્રા. ધીરુભાઈ સહિત ચાલીસ જણે) બીજું કંઈ જ કર્યું ન હોય પણ ફક્ત આ એક જ કાર્ય કર્યું હોય તો પણ સમગ્ર ગુજરાતી પ્રજા અને ગુર્જર ગિરા એમના ઋણી ગણાય તેવું છે.
આવું મહાન કામ કરતા હોવા છતાં પડદા પાછળ રહેવું, લૉ પ્રોફાઇલ રહેવું, છવાઈ ન જવું વગેરે એમની ચોથી વિશિષ્ટતા છે. સભાસંચાલન જેવું નાનકડું કામ હોય તો ત્યાં પણ છવાઈ નહીં જવાનો કુમારપાળનો ઘણાએ અનુસરવા જેવો ગુણ છે.
પાંચમી વિશિષ્ટતા એમની વસ્તૃત્વકલા છે. આજ સુધીમાં જૈન ધર્મ વિશે એમણે જેટલાં અને દુનિયાભરમાં જેટલી જગ્યાએ વક્તવ્યો આપ્યાં છે એટલાં જૈન સાધુઓ સિવાય બીજા કોઈએ આપ્યાં નહીં હોય. એમનું વક્તવ્ય સરળ, ભારેખમ નહીં, હાસ્યના છંટકાવવાળું છતાં અભ્યાસપૂર્ણ અને વિદ્વત્તાવાળું હોય છે. તેઓ કદી તૈયારી કર્યા વિના બોલતા નથી.
આ વક્તવ્યો તો ઠીક પરંતુ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થવું એ બહુ જ અઘરું છે જે એમણે સાધ્ય કર્યું છે.
એમની છઠ્ઠી વિશિષ્ટતા મૂંગા મૂંગા સેવા કરવાની છે. જેમ વિશ્વકોશના કાર્યમાં એમના અર્પણ વિશે બહુ ઓછા જાણતા હશે એ જ રીતે બોટાદની રેડક્રૉસ બ્રાન્ચ દ્વારા સેવાનાં યજ્ઞકાર્યો એમણે કર્યો છે એ પણ બહુ ઓછા જાણે છે. દા.ત. ભૂકંપ વખતે બધાની નજરે કચ્છ હતું પરંતુ વઢવાણ, ધ્રાંગધ્રા, હળવદ, બોટાદ વગેરેના ગ્રામવિસ્તારોમાં જે તબાહી વેરાયેલી એની તરફ કોઈનું ધ્યાન નહીં ગયેલું ત્યારે કુમારપાળના માર્ગદર્શનથી બોટાદ રેડક્રૉસે ત્યાં રહી કામ કરેલું.
સાતમી વિશિષ્ટતા શાંત સ્વભાવની છે. મગજમાં નથી આવતું કે આટલા બધા વ્યસ્ત રહેવા છતાં, અનેક કામોના બોજા હોવા છતાં, જાતજાતનાં ભેજાઓ સાથે કામ પાડવાનું હોવા છતાં મગજને તેઓ ઠંડું અને મનને ભાર વિનાનું અગંભીર કઈ રીતે રાખી શકે છે? એમને કોઈએ કદી મોટેથી બોલતા સાંભળ્યા હોય એવું સાંભળ્યું નથી. તેઓ એમનું અહિત કરનારને પણ વેરભાવથી નથી જોતા. એવાઓની સાથે પણ ઠરેલ અને સૌમ્ય રહે છે. વિનયવિવેક ઘણામાં હોય છે પણ કુમારપાળમાં જે હદે છે એ એમની આઠમી વિશિષ્ટતા
303 ગુણવંત છો. શાહ/આશ્લેષ શાહ