________________
કુમારભાઈની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ નિરંતર સાથ-સહકાર અને પ્રેરણા આપતાં રહ્યાં છે. કુમારભાઈ અને પ્રતિમાબહેન બંને ખૂબ જ પ્રેમાળ છે અને જેઓની સાથે આત્મીયતા અને ઘરોબો હોય તેમને માટે બધું જ કરી છૂટવા તેઓ સદા તત્પર રહે છે. તેમના બંને પુત્રો ચિ. કૌશલ અને ચિ. નીરવ સાથે મારે તેમની નાની વયથી જ પરિચય થયો હતો. તેમની કારકિર્દી માટે શ્રી કુમારભાઈ તેમને વારંવાર કહેતા કે “કાકા પાસે જાઓ અને તેમનું માર્ગદર્શન મેળવો.” તેમના આ બંને સુપુત્રોએ મૅનેજમેન્ટનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હોઈને તેઓને પણ મારી સાથે વાતચીત અને ચર્ચા-વિચારણા કરવામાં આનંદ આવતો હતો તેમ મને લાગ્યું છે. શ્રી કુમારભાઈના આ બંને પુત્રો ખૂબ જ સંસ્કારી, પ્રેમાળ અને નિષ્ઠાવાન છે. મોટો દીકરો કૌશલ આજે મુંબઈમાં છે જ્યારે નાનો નીરવ યુ.એસ.એ.માં છે. મને શ્રદ્ધા છે કે આ બંને ભાઈઓ તેમની જિંદગીને જરૂર ઉજ્વળ બનાવશે.
આવા મારા પરમ મિત્ર અને શુભચિંતક કુમારભાઈને પદ્મશ્રી'નો એવૉર્ડ એનાયત થયો, તે અમારા જેવા સૌ મિત્રો માટે આનંદ અને ગૌરવનું પર્વ ગણાય. બહુ ઉચિત વ્યક્તિને આ સન્માન પ્રાપ્ત થયું છે. કુમારભાઈ આવનારા વર્ષોમાં તેમની પસંદગીનાં ક્ષેત્રોમાં હજુ પણ વધુ નોંધપાત્ર પ્રદાન કરતા રહે અને તેમના દ્વારા સમગ્ર સમાજનું હિત થાય તથા તેમનાં સત્કાર્યોની સુવાસ ચારે તરફ વિસ્તરે તેવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે. છેલ્લે, આ અતિ સજ્જન શિક્ષણવિદ અને સાહિત્યકારનું સમગ્ર કુટુંબ સર્વ પ્રકારની ઉન્નતિ, યશ અને સુખ પ્રાપ્ત કરે તેવી મારી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે.
300 નખશિખ સજન મિત્ર