________________
કાયદો અને સમાજ વિભાગની ૧૯૭૦માં શરૂઆત થઈ ત્યારે એના પહેલા લેખની અગાઉથી પ્રિન્ટ કાઢીને મિત્રભાવે શ્રી કુમારભાઈ જાતે મને આપવા આવ્યા હતા કે જેથી મારી ખુશીમાં તેઓ સહભાગીદાર બની શકે.
આ પછી મારી કારકિર્દીના અનેક મહત્ત્વના પ્રસંગોએ તેઓએ હમેશાં વ્યક્તિગત હાજર રહીને મને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય તેવાં વક્તવ્યો પણ આપેલાં. બીજા શબ્દોમાં કહું તો હું ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરિઝ ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓનો પ્રમુખ બન્યો ત્યારે અને બીજા ઘણા અગત્યના પ્રસંગોએ શ્રી કુમારભાઈએ મારા માટે દર્શાવેલી લાગણી અને ભાવના આજે પણ મારા દિલમાં જળવાઈ રહી છે.
અત્રે એક બાબતનો ઉલ્લેખ કરવાનું હું ખૂબ ઉચિત માનું છું કે સ્વ. શ્રી ઉત્તમભાઈ મહેતા સાથેનો મારો પ્રથમ પરિચય કરાવનાર કુમારભાઈ હતા. '૮૦ના દાયકાના મધ્યભાગમાં સ્વ. શ્રી મહેતાસાહેબ જ્યારે ટોરેન્ટને ઊભી કરી રહ્યા હતા અને તેમની કારકિર્દીમાં સફળતા મળવાની શરૂઆત થઈ હતી તે વર્ષો દરમ્યાન કેટલાક પ્રસંગોએ કુમારભાઈએ મારો તેમની સાથે પરિચય કરાવ્યો હતો અને ત્યારબાદ અમારા સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા હતા. આમ ટોરેન્ટ જૂથ સાથેની મારી લગભગ દશ વર્ષની કારકિર્દી માટે આડકતરી રીતે શ્રી કુમારભાઈ સહયોગી હતા તેમ હું કહી શકું,
કુમારભાઈ નાની વયથી જ ખૂબ અભ્યાસી અને ચિંતન કરનાર વ્યક્તિ હતા. તેમના પિતાનો સાહિત્યનો વારસો તેમને પ્રાપ્ત થયો હતો અને પોતાના અભ્યાસ અને ખંત દ્વારા તેમણે આ વારસાને વધુ વિકસાવ્યો છે અને આજે તેઓ ગુજરાતી સાહિત્યના એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર તરીકે સારી એવી ખ્યાતિ મેળવી શક્યા છે, તે તેમના સૌ કોઈ મિત્રોને માટે આનંદ અને ખુશીની વાત છે.
એક અધ્યાપક તરીકે પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા છે અને નવગુજરાત કોલેજથી શરૂ કરીને આજે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ તરીકેની તેમની મજલ દરમ્યાન હજારો વિદ્યાર્થીઓને તેમણે સારું જ્ઞાન અને સંસ્કાર આપ્યાં છે. તેમાંનાં અનેક તેમને ખૂબ જ આદર અને પ્રેમ સહિત યાદ કરતા હશે તે ચોક્કસ છે. એક સારા વક્તા તરીકે તથા જૈન ધર્મ અને ફિલસૂફીના પ્રખર અભ્યાસી તેમજ ચિંતક તરીકે કુમારભાઈએ ઘણી સારી નામના મેળવી છે. આ દિશામાં કાર્ય કરતી અનેક ઉચ્ચ કક્ષાની સંસ્થાઓમાં પણ એમનું ઘણું મોટું પ્રદાન ચાલુ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને અનેક સન્માનો મળ્યાં છે.
તેમનાં પત્ની પ્રતિમાબહેન માટે મને વ્યક્તિગત ખૂબ માન છે. તેઓ એક સન્નારી છે અને
299 ચીનુભાઈ આર. શાહ