________________
બે વાર નિષ્ફળ નીવડ્યા પછી ત્રીજા પ્રયત્ને ગુજરાતી ભાષાસાહિત્યભવનમાં રીડર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારી નિયુક્તિ થઈ. તે પહેલાં તે થવાની પૂરી સંભાવનાના સમાચાર લાવનાર ભાઈ કુમારપાળ જ હતા. એમ.એ.ના વર્ગો છૂટ્યા પછી એક સાંજે અમે મળ્યા ત્યારે એમણે અનધિકૃત રીતે પણ દૃઢતાથી કહ્યું, “આ વખતે તમારી નિમણૂક થઈ જશે એમ લાગે છે.’’ પત્રકારત્વ પણ કુમારપાળનો વિષય. તેના અધ્યાપન માટે અને તેના પરીક્ષણકાર્ય માટે એ નિયમિતપણે રાજકોટ જાય. હું રાજકોટ ગયા પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમનું આવવાનું ચાલુ રહ્યું અને એથી પણ અમારો સંબંધ-સંપર્ક જીવંત રહ્યો.
૧૯૯૨માં હું મારી ગુણવત્તાથી પ્રાધ્યાપકપદે નિમાયો. પરંતુ ગુજરાતી ભવનના સ્વાભાવિક રીતે પ્રાપ્ત થતા અધ્યક્ષપદ માટે સ્થાનિક રાજકારણને કારણે મારે યુનિવર્સિટી સાથે સંઘર્ષ કરવો પડ્યો જે બે વર્ષ ચાલ્યો અને લાંબી પ્રતીક્ષા-તપસ્યા પછી ગુજરાત હાઇકૉર્ટના આદેશથી હું ભવનનો અધ્યક્ષ થયો. તે વેળાએ પરિસ્થિતિ એવી હતી કે યુનિવર્સિટીનું આખું તંત્ર મારી સામે હતું. રાજકોટના અને અમદાવાદના બહુ જૂજ મિત્રો-મુરબ્બીઓ તરફથી સલાહ-સૂચનમાર્ગદર્શન તેમજ હેયાધારણ અને હૂંફ મળતાં હતાં. એ બધામાં એક જણ કુમાર પણ ખરો. જેણે કહેલું ‘ચિંતા ના કરશો, અમે તમારી સાથે છીએ. કંઈ પણ કામ પડે ફોન કરશો. હું તરત આવી પહોંચીશ.' ‘A Friend in need is a friend indeed' એવા પેલા અંગ્રેજી વિધાનને ચરિતાર્થ કરનાર આ કુમાર – પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈ.
પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈની સિદ્ધિઓ વિશે તેમજ પોતાનાં બધાં મિત્રોમાં આગળ ધપવાની એની શક્તિ વિશે કે એની અવિરામ વિકાસયાત્રા વિશે મારે કંઈ કહેવું જોઈએ એમ મને લાગતું નથી. કેમકે હવે એ સર્વવિદિત છે. એની ત્વરિત ગતિની વાત તો મેં કરી તેની પતીજ પાડતી એક વાત કહું : હું કૉલેજમાં અધ્યાપક હતો ત્યારે એ બી.એ.માં અભ્યાસ કરતા હતા, પરંતુ યુનિવર્સિટીના અધ્યાપક મારા કરતાં પણ વહેલા થયા. એમના ઘણા એક સહાધ્યાયીઓ અને સહકાર્યકરોથી ઘણા પહેલા અને ઘણા આગળ એ નીકળી ગયા છે. એમ થવામાં કારણભૂત મુખ્યત્વે તો છે એમનાં માતા-પિતાના સંસ્કાર. એ પછી આવે એ સંસ્કારને દીપાવે અને તેને અનુરૂપ વિકાસ સાધે એવો એમનો પોતાનો પુરુષાર્થ અને છેલ્લે એમનું પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ. આટલા સુદીર્ઘ સમયના એટલે કે વર્ષોના અમારા મૈત્રી સંબંધને નાતે તેમજ અતૂટ સંપર્કને કારણે હું કહી શકું છું કે એમના વ્યક્તિત્વમાં એક સૌમ્યતા છે અને એક સંતુલન છે.
કુમારપાળનું કામ ઘણું વિસ્તૃત છે. તેની પ્રત્યે સહેજ અંગુલિનિર્દેશ જ કરું તો તે પર્યાપ્ત ગણાશે. બાળસાહિત્ય, ચારિત્રસાહિત્ય અને સંશોધન-વિવેચનસાહિત્ય જેવાં વિવિધ ક્ષેત્રે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તો ‘એકાંતે કોલાહલ' વાર્તાસંગ્રહ દ્વારા સર્જનાત્મક સાહિત્યક્ષેત્રે પણ
263
હેમંત દેસાઈ