________________
પણ એ લખે છે, પણ ઈટ અને ઇમારત ગુજરાત સમાચારની જેમ કુમારપાળના નામ સાથે અભિન્ન બની ગઈ છે.
કુમારપાળ ગુજરાતીના અધ્યાપક અને હું હિંદીના અધ્યાપક, પણ અમારો આછો આછો શરૂઆતનો પરિચય સાહિત્યના સંબંધે થતો રહેલો. પછી તો ભાષાસાહિત્યભવનમાં એ અમારા સાથી બન્યા. દરરોજ મળવાનું બને એ સહજ હતું. પરંતુ એ સમયે પણ અધ્યયન-અધ્યાપન ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓથી તે લગાતાર જોડાયેલા રહેતા. તેમાં મુખ્યત્વે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રમાં રહેતી. જૈન ધર્મના અભ્યાસનો વારસો, જે પિતાજી પાસેથી મળેલો, તે એમણે પોતાના અનુશીલનથી અધિક સમૃદ્ધ અને કંઈક અંશે સમાજલક્ષી પણ બનાવ્યો અને એ રીતે ધર્મની વ્યાખ્યાને વ્યાપક અર્થમાં સ્વીકારી. એ રીતે એમના મિત્રમંડળમાં માત્ર સાહિત્યકારો ન રહેતાં, સમાજના અને ધર્મક્ષેત્રમાં કામ કરતા અનેક મહાનુભાવો ઉમેરાતા ગયા છે. દેશમાં અને વિદેશમાં સૌને ઉપકારક થવાની એમની તત્પરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી એ લગભગ સર્વમિત્ર જેવા બની ગયા છે, તેમ છતાં કહેવાનો પ્રસંગ આવે ત્યારે ખરી વાત કહેવામાં ખચકાતા નહિ.
કુમારપાળ સાહિત્ય પરિષદના મંત્રી બન્યા અને એ અને શ્રી રઘુવીર ચૌધરી પરિષદની ઇમારતથી લઈ અનેકમુખી પ્રવૃત્તિઓનું આયોજન કરતા હતા ત્યારે પરબનો હું સંપાદક હતો. પરિષદનાં જ્ઞાનસત્રો અને અધિવેશનો અમને નિકટ લાવતાં ગયાં.
સૌથી વધારે નજીક આવવાનું બન્યું, તે તો ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઈ. સ. ૧૯૯૯થી ૨૦૦૩ સુધી અમે સાથે કામ કર્યું તે સમયગાળામાં – નવી ચૂંટાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીમાં અનુક્રમે અમે અધ્યક્ષ-ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા. ચૂંટણીમાં સારી એવી સ્પર્ધા હતી – પણ અમારા સહયોગે અમને આ પદો પર સાથે કામ કરવાનો અવસર આપ્યો. કારોબારીના સભ્યોનો પણ સારો એવો સહયોગ મેળવી શકાયો. અમે અનેક પરિસંવાદો, પ્રકાશનોનું આયોજન કર્યું અને ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રવૃત્તિઓથી એક રીતે ધમધમતી' કરી. આ સમગ્ર કાર્યવ્યાપારમાં અમે સાથે ને સાથે રહ્યા અને એમને અત્યંત નિકટ રીતે જાણવાની પ્રત્યક્ષ અભિજ્ઞતા મળતી ગઈ. - કુમારપાળભાઈને અકાદમી ઉપરાંત અન્ય સંસ્થાઓનો કાર્યભાર પણ સંભાળવાનો હતો, ઉપરાંત ભાષાસાહિત્યભવનનું અધ્યાપનકાર્ય તો ખરું જ. છતાં જેટલો જોઈએ એટલો અને જ્યારે જોઈએ ત્યારે અકાદમી માટે સમય એ ખર્ચી શકતા, તેથી ગુજરાત સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓની સારી રીતે નોંધ લેવાઈ
સાથી તરીકે એમના ઉમદા ગુણોએ મને પ્રભાવિત કર્યો. કંઈ પણ કામનું આયોજન હોય, એનો અમલ કરવાનો હોય ત્યારે એ તરત જ કહે – તમે કહો તેમ. પ્રવાસમાં તો એ રીતસર કાળજી રાખનારા મિત્ર બની જતા.
10
કુમારપાળની સમીપ - શબ્દસમીપ