________________
સામાન્ય કક્ષાના મિત્ર હોય – દરેકને કંઈ ને કંઈ પ્રેરણા કર્યા જ કરે. આ જ કારણે તેઓ પોતાની અતિવ્યસ્ત પ્રવૃત્તિ ઉપરાંત ગુજરાતી વિશ્વકોશ, અહિંસા યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી જેવી પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરી રહ્યા છે. લેખન મારી રુચિનો વિષય ન હોવા છતાં કોઈ ને કોઈ વિષય પર મારે લખવું તેવો તેમનો આગ્રહ જ્યારે મળે ત્યારે કર્યા જ કરે. તેમની આવી પ્રેરણાથી જ હું શ્રીમન્ના જીવન-વિચાર સંબંધી કંઈક લખી શક્યો અને આજે અભિવ્યક્તિના સમર્થ સ્વામી વિષે કંઈક લખવાની ક્ષમતાવિહીન અનધિકાર ચેષ્ટા હું કરી રહ્યો છું.
જૈન ધર્મ સંબંધી કુમારપાળભાઈનું યોગદાન ઘણું જ વિશાળ અને મહત્ત્વનું છે. તેમણે આપેલાં વ્યાખ્યાનો અને લખેલા લેખોનો વિષયવાર ક્રમબદ્ધ સંગ્રહ થાય તો વિશાળ ગ્રંથરાશિ જેટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સમાજને ઉપલબ્ધ થાય. આગમ અને શાસ્ત્રો, કથાઓ અને કાવ્યો, દૃષ્ટાંતો અને ઘટનાઓ, ચિંતનકણિકાઓ અને સ્ફલિંગો – આવા દરેક માધ્યમ દ્વારા તેમણે જૈન ધર્મના દાર્શનિક તેમજ વ્યવહારિક સ્વરૂપને લોકભોગ્ય બનાવી સરળ અને સુગમ શૈલીમાં પીર છે. આબાલ-વૃદ્ધ કક્ષામાં પ્રાથમિક કે પંડિત, હરકોઈને ગમે, રુચે તેવી રીતે તેમણે જૈન ધર્મને વિવિધ રૂપોમાં લોકો પાસે મૂક્યો છે. વિદેશોમાં પ્રવચન-પ્રવાસમાં તેમણે શાસ્ત્રોને લોકભોગ્ય બનાવ્યાં છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં તેમણે જૈન ધર્મનાં ગહન તત્ત્વો અહિંસા, અનેકાંત, સત્ય અને બ્રહ્મચર્યને સામાન્ય માનવીની સમજણની ભૂમિકામાં ઉતાર્યા છે.
ધર્મ અંગેનું કાર્ય એ તેના પ્રસાર-પ્રચાર અંગેનું કાર્ય છે. તત્ત્વ સનાતન છે. સત્ય શાશ્વત છે, છતાં ચિર પુરાતત્ત્વને નિત્યનૂતનની અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય તો જ ધર્મ સમકાલીન બની રહે છે, નહીં તો તે કાલબાહ્ય અને સંદર્ભવિહીન બની જાય છે. જૈન ધર્મને જીવંત રાખવામાં આ દૃષ્ટિએ શ્રી કુમારપાળભાઈનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. સાંપ્રત સમાજ પોતાની ભાષામાં ધર્મનાં શાશ્વત સત્યોને સમજી તેને સમકાલીન ગણી અપનાવે તે જ ધર્મપ્રચારકની સિદ્ધિ છે. શ્રી કુમારપાળભાઈએ જૈન ધર્મ સંબંધી કાર્યમાં પણ પોતાની અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય દાખવેલ છે.
વિશેષ તો શું– સાંભરે ઘણું અને લખાય ઓછું એવો ઘાટ છે. જે લખાશે તે ઓછું જ પડવાનું. આવી વિભૂતિને ખિતાબ આપી નવાજવાથી ખિતાબને પ્રતિષ્ઠા જરૂર મળશે, પણ તે વિભૂતિના વ્યક્તિત્વ પાસે તો ઊણો જ રહેવાનો.
શ્રીમદ્ રાજચંદ્રજીના તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી
182 અનુપમ સેવા અને અજોડ કૌશલ્ય