________________
સાચા શિક્ષકની મૂડી એના તેજસ્વી વિદ્યાર્થીઓ હોય છે. સ્નાતક, અનુસ્નાતક બનીને દરેક વર્ષે યુનિવર્સિટીમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓ જીવનમાં સારી રીતે સ્થાયી થાય ત્યારે એના શિક્ષકને યાદ કરી ધન્યતા અનુભવતા હોય છે અને શિક્ષક પણ વિદ્યાર્થીનો વિકાસ જોઈ રાજી રાજી થઈ જતો હોય છે. આવા સંબંધો ઉભયપક્ષે સચવાય એવું કેટલાકનું જ સદ્ભાગ્ય હોય છે. કુમારપાળભાઈ એમાંના એક છે. એ સંબંધોના માણસ છે, મીઠા સંબંધોના માણસ છે. એમના હકારાત્મક અભિગમને કારણે ઘણાંને પ્રોત્સાહન મળ્યું છે. તેઓ વાતનો આરંભ ‘હા’થી જ કરે છે.
“કાર્યક્રમ કરો, કાર્યશિબિર કરો, પુસ્તક કરો... મારી જે પ્રકારની મદદ જોઈએ તે કહેજો. આપણે વિદ્યાર્થીઓ માટે આંતરયુનિવર્સિટી કાર્યશિબિરનું આયોજન કરીએ તો કેવું ?” આમ વારંવાર રચનાત્મક કાર્યક્રમની વાતો થાય અને અમલમાં પણ મુકાય.
સંસ્કાર, શિક્ષણ સાહિત્ય અને સમાજ વિશેની એમની સમજણ ઘણી ઊંડી એટલે પોતાના દાયિત્વ વિશે ખાસ્સા સભાન, ઉપરાંત જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ હોવાને કારણે કુમારપાળભાઈનો રોજબરોજનો સામાન્ય વ્યવહાર વિનમ્રતાથી ભરપૂર. વિરોધના વંટોળમાં અથડાઈ, ફસાઈને સમય વેડફવા કરતાં સમાધાનકારી વલણથી જીવવાની એમની શૈલી છે. અહીં કોઈથી ડરવાનો કે ક્યાંકથી ડગવાનો પ્રશ્ન નથી પણ આ નાનકડા જીવનનો મોટો સમય સંઘર્ષમાં પસાર થઈ જાય તો પછી હળવા થઈને ક્યારે જિવાય ? માટે જ હસતાં હસતાં સભાનતાપૂર્વક સમન્વયકારી અભિગમથી કાર્યરત રહેવાનું એમને વધુ અનુકૂળ રહ્યું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા, જેના એકેડેમી, ગુજરાતી વિશ્વકોશ, ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન, દિલ્હી સાહિત્ય અકાદમીની ગુજરાતી સલાહકાર સમિતિ – જેવી અનેક સંસ્થાઓમાં ઘણા ઊંચા હોદ્દાઓ પરથી અમૂલ્ય યોગદાન આપ્યું છે અને વહીવટી કાર્યોમાં રાખવી પડતી ચોકસાઈ તથા તટસ્થતા એમણે જાળવ્યાં છે. સંસ્કૃતિ, શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે એમણે કરેલી યશસ્વી કામગીરી બદલ પ્રજાસત્તાક દિને ભારત સરકાર તરફથી પદ્મશ્રી'નો ઇલકાબ એમને એનાયત કરવામાં આવ્યો છે એનો મને અને મારા સમસ્ત પરિવારને ખૂબ ખૂબ આનંદ છે.
99 સુધા નિરંજન પંડ્યા