________________
પહેરવેશના સૌમ્ય અને વ્યક્તિત્વને ઉજાગર કરવા સાથે ભીતરનો પરિચય કરાવતા રંગો... હા, એ રંગો આછા પણ આંખોને ગમે એવા. માથાના વાળ સવારે ઓળતા હશે પછી આખો દિવસ એમની રજા વિના ભાગ્યે જ કોઈ વાળ પણ ઊડતો હશે. ચહેરા પર ધીરજ અને બધું સમજું છું – એવો ભાવ વર્તાયા કરે. મિતભાષી, કશાનો દુર્વ્યય ન પાલવે. શબ્દ અને કાગળ બેઉ સાચવે. વખત અને વહાલ સાથે મોકળા મનના માણસ. વ્યસનો તો નહિ જ પણ વળગણેય નહિ. ક્યારેક લાગે કે જમતા હશે કે નહિ? એટલે કે મિતાહારી તો ખરા, પણ ભોજનની વેળા થાય તોય એ તરફની ઉતાવળ કશી ન મળે ભરપૂર કાર્યોની વચ્ચે વાચન, લેખન, ફોન, મિટિંગો, વ્યાખ્યાનો, મુલાકાતો, વાતચીત ને ઘર-વ્યવહારો બધું સાચવનારી વ્યક્તિના ઉક્ત ગુણો જાણીએ ત્યારે તાજુબ થવાય !
ડૉ. ધીરુભાઈ ઠાકર – જાણીતા કેળવણીકાર અને પ્રસિદ્ધ સાહિત્યવિવેચક – એમના પિતાજીના મિત્ર તથા – કુમારપાળના ગુરુ પણ ખરા. ડૉ. ધીરુભાઈ ઠાકર મારા પણ વિદ્યાગુરુ, કુમારપાળ દેસાઈ, પ્રવીણ દરજી, દિનકર ભોજક, મણિલાલ હ. પટેલ તથા સ્વ. જોસેફ પરમાર : આ બધા ઠાકરસાહેબ પાસે આઠમા દાયકામાં (૧૯૭૦-૮૦) પીએચ.ડી.ની પદવી માટે સંશોધન કરતા હતા. એ ગાળામાં જ ઠાકરસાહેબ મોડાસા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા હતા. અમે સૌએ મળીને ઠાકર સાહેબનો વિદાય સમારંભ યોજ્યો હતો. એ દિવસોમાં કુમારપાળભાઈને હું પહેલી વાર મળ્યો, ત્યારથી આજ લગી તેમનાં હેત અને આદર પામતો રહ્યો છું. પોતાનાથી નાની વયનાને પણ પ્રેમાદર આપવાનું તથા નાનેરાંઓની શક્તિસિદ્ધિઓ બિરદાવવાનું ઘણાંને ગમતું ને ફાવતું જ નથી, પણ કુમારપાળ દેસાઈ તો ફોન કરીને બિરદાવવાનું ન ચૂકે. ઠાકરસાહેબ વિશે શબ્દશ્રી' એવો અભિનંદનગ્રંથ કરેલો. એમાં મારો લેખ મેળવવા સંદર્ભે એમણે પત્રો લખીને રાહ પણ જોયેલી. આજેય મારી સર્જનવિવેચન અને અધ્યયન-અધ્યાપનની પ્રવૃત્તિઓથી રાજી થાય અને એ વિશે મને કહે એ તો બરાબર પણ અન્યોને એ વિશે ઉમળકાથી વાત કરે. ગુણને આગળ કરવાનો એમનો ગુણ એમનાં માતાપિતાના સંસ્કારવારસાની સાહેદી પૂરવા સાથે તીર્થકરોનો એમના પરનો પ્રભાવ પણ સૂચવે છે. વિદ્યા માણસને વિનમ્ર બનાવે છે એ વાત કુમારપાળમાં ચરિતાર્થ થતી અનુભવાય છે.
કુમારપાળ દેસાઈએ નાની વયથી લખવાનું શરૂ કરેલું. ૧૯૬૩થી ૨૦૦૩ દરમિયાન એમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં, બધાં મળીને એકસોથી વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં બાળસાહિત્ય, ચરિત્ર, પ્રૌઢ સાહિત્ય, ચિંતન, સંશોધન, વિવેચન, પત્રકારત્વ, અનુવાદ, વાર્તા, જીવનકથા તથા સંપાદનોનો સામાવેશ થાય છે. આ ઉપરાંત પણ એમનાં અન્ય સંપાદનો અને ચરિત્રગ્રંથોની શ્રેણીઓ છે. પત્રકારત્વના ક્ષેત્રે પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે. રમતના મેદાનથી લઈને, જીવન-ધર્મ-સમાજ-સંસ્કૃતિ અને અધ્યાત્મ વિશે એમણે અભ્યાસપૂર્વક અને નિષ્ઠાથી
92 હેત અને ઉષ્માના માણસ