________________
ગુણવત્તાવાળું મળ્યું એનો નિર્દેશ પણ અહીં મળે છે. આ વિભાગના લેખો પણ એ રીતે વિશેષ મૂલ્ય ધરાવે છે.
કુમારપાળ મૂળે અધ્યાપક, સંશોધક અને માર્ગદર્શક. તેમણે ગુજરાતી ભાષા-સાહિત્ય, પત્રકારત્વ ઉપરાંત જૈન સંસ્કૃતિદર્શન એમ વિવિધ ક્ષેત્રે શિક્ષણકાર્ય કર્યું હોઈને એમના એ પાસાને મૂલવતા સત્તર લેખો કુમારપાળ અધ્યાપક તરીકે કેવી ઉચ્ચ પ્રતિભા ધરાવે છે તેનો ખ્યાલ આપે છે. અહીં સુખ્યાત શિક્ષકો રમણલાલ જોશી, ધીરુ પરીખ અને તપસ્વી નાન્દી જેવાએ કુમારપાળના અધ્યાપક પાસાને ભારે ઊંડાણથી અને એમાં રહેલી તેજસ્વિતાની રેખાઓને તારવીને ખોલી બતાવી છે. તો વહીવટી કે સહઅધ્યાપક રહી ચૂકેલાં કંચનલાલ પરીખ, રંજના અરગડે, ચાંદબીબી શેખ, સુનંદા શાસ્ત્રી, દર્શના ત્રિવેદી છે, તો વિદ્યાર્થીઓમાં પુનિત હણે, મહાસતી વિસ્તીર્ણાજી, દીપક પંડ્યા વગેરેના લેખોમાંથી કુમારપાળના વત્સલ, મૂલ્યનિષ્ઠ મૂઠી ઊંચેરા પાસાઓનો પરિચય થાય છે. શિક્ષક તરીકેના તેમના અધ્યયન-અધ્યાપનનો ઊંચો આંક દર્શાવતા આ લેખોનું શૈક્ષણિક જગતમાં પણ ખાસ મૂલ્ય રહેશે.
આઠમા વિભાગમાં વિદેશમાં જઈને કુમારપાળે પોતાના જ્ઞાનની સુવાસ કેવી કેવી રીતે પ્રસારી તે ત્યાં વસતા નવ ભારતીય વિદ્વાનોએ મૂલવેલ છે, જેમાં ન્યૂયોર્કના નરેશ શાહ, લંડનના વિનોદ કપાસી તથા હ્યુસ્ટનના કિશોર દોશી વગેરે છે. કેનેડાના કેનેડિયન ગુજરાતી ડાયસ્પોરા લેખક જય ગજ્જરે પણ કુમારપાળે ત્યાં આપેલાં વ્યાખ્યાનોને વિગતે મૂલવ્યાં છે.
આમ આઠ વિભાગોના કુલ એકસો સાઠ લેખોના લેખકો દ્વારા કુમારપાળના સંખ્યાતીત પાસાઓને ખોલી બતાવ્યા છે. આ મહાનુભાવોની સંગત અને એની પંગત કુમારપાળના વ્યક્તિત્વને એવી રીતે ક્રમશઃ ખોલે છે કે પૂરા પદ્મશ્રી કુમારપાળ ખીલેલા પારૂપે ગુજરાતી ભાવકોમાં પરિચિત બનશે. એમનો અલ્પ અને આંશિક પરિચય પણ પૂરો પ્રભાવાત્મક અને આવો પ્રતિભાવાત્મક રહ્યો તો આ સર્વાગી પરિચય આપણને ખરા-પૂરા એમના બનાવશે. આમ પ્રેમના રંગના ભાવનાં છાંટણાંની બોછાર કુમારપાળભાઈની એક હૃદયસ્પર્શી છબી ખડી કરે છે. એ કુમારપાળનું ખરું પૂરું ચિત્ર હજી ઘણી વિકાસની-વિસ્તારની ક્ષમતા ધરાવે છે, પણ અત્યારે તો આજ સુધીના ‘કુમારથી પદ્મશ્રી કુમારપાળ' સુધીની વાત. કુમારપાળને આમ તમારી સમક્ષ વિવિધ મહાનુભાવોને સંગાથે એમના પુરુષાર્થથી જે જે શક્ય બન્યું એની પ્રસન્નતા સાથે રજૂ કર્યા છે. ચારણી ડીંગળી ભાષામાં કહું તો કુમારપાળ ! “વધન્યા વધન્યા તોળાં ભામણાં' – વધાવું છું, વધાવું છું, અને તમારાં ઓવારણા લઉં છું. અસ્તુ, ઇતિ શુભમુ.
બળવંત જાની 1 પ્રવીણ દરજી
IX