________________
બધા પ્રદેશોમાં વરસાદની દૃષ્ટિએ ચોમાસું રૂડું પ્રવર્તે છે. દક્ષિણ પ્રાંતોમાં વરસાદ હવે શરૂ થશે. હજી સુધી તો ગરમીનું અને રોગવાળું હવામાન આ પ્રદેશમાં અનુભવાય છે.
પર્યુષણ પર્વની આરાધના ત્યાં રૂડી રીતે થઈ હશે. અહીં પણ સારી રીતે થઈ છે. એક વાત ખરી કે હવે આપણે ત્યાં પૈસા - આવક અને બાહ્ય દેખાવનું પ્રમાણ વધેલું અનુભવાય છે. કોઈએ તપસ્યા કરી હોય તો તે નિમિત્તે એવા તો ભપકા રચે કે, આંખો અંજાઈ જાય, હૈયું થીજી જાય. એની સામે ક્રિયા, સૂત્રશ્રવણ, જીવદયા, જયણાપાલન, વિરતિધર્મ, આરાધક ભાવના આ બધામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે છે. થોડાક ઉપવાસ કરી લીધા કે પૈસા ખર્ચી દીધા એટલે બધું જ પતી ગયું. પછી વ્યાખ્યાન, પ્રતિક્રમણ બધું ન કરીએ અને વ્યસનરાત્રિભોજન વગેરે ચાલુ રાખીએ તો વાંધો નહિ, આવી જડતા કે ધીઠતા આવી જતી જણાય છે. આના પરિણામે સંઘના પજુસણ તો - ખાસી આવક અને ધામધૂમ થવાને કારણે - સુધરી જાય, પણ આપણાં – વ્યક્તિગત - પજુસણનું લીલામ બોલાઈ જાય છે, એ વાત સમજવા માટે આપણને કેટલાં વરસ લાગશે? કે કેટલા ભવ જશે?
કલ્પસૂત્ર એ એક પવિત્ર અને મહાન આગમ છે. આગમ એ જિનશાસનનો પ્રાણ છે. આગમવિહોણા શાસનની કલ્પના ન થઈ શકે. આવા આગમનું શ્રવણ કરવાનો ધન્ય અવસર આપણને વર્ષમાં એકવાર મળે, અને તો પણ આપણે તેનાથી વેગળા, અતડા અને અરુચિપૂર્વક ટાળવા મથતા રહીએ, તો આપણને શાસન ગમ્યું છે તેમ કેમ કહી શકાય ? પૂર્વાચાર્ય ભગવંતોએ સકલ સંઘને સૂત્રશ્રવણનો અધિકાર બક્ષીને કેટલો મહાન ઉપકાર કર્યો છે. એનો બદલો આપણે કેવો વાળ્યો ? કેવો વાળીએ છીએ ? ઉપાશ્રયોમાં બપોરનાં પ્રવચનોમાં જોજો - ૧૦ - ૨૦ જણા વધુમાં વધુ જોવા મળશે. મહારાજ સાહેબો તો કાનૂનથી - શાસ્ત્ર - પરંપરાથી બંધાયેલા, એટલે કોઈ આવે કે નહિ, સાંભળે કે નહિ, એમણે તો વાંચવું ને બોલવું જ પડે. અને આપણા ધર્મી (?) જીવો બબડેઃ વ્યાખ્યાન બરાબર નથી, આજની પેઢીને રસ શી રીતે પડે ? મજા આવવી જોઈએ, જમાના પ્રમાણે ચાલવું જોઈએ, વગેરે. બાપડા આ જીવોને કર્મબંધનું, પાપનુંય ભાન નથી. પોતે આમ બબડીને કેવાં ઘોર પાપકર્મ બાંધે છે તેની પણ ગતાગમ નથી. અને જયારે એ પાપો ભોગવવાનાં થશે ત્યારે....? ટૂંકમાં,