________________
આપણી સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ, આ બધાયથી આપણને હમેશાં માટે ભ્રષ્ટ કરવાનું આ ખોફનાક ષડયંત્ર છે. આપણી આવનારી પ્રજા - જનરેશન કેવી નિર્માલ્ય, માયકાંગલી અને રોગિયલ પેદા થશે તેની કલ્પના પણ કરતાં ધ્રૂજી જવાય છે.
બધા જ આ લેખ વાંચજો. વંચાવજો. તે પત્ર મેળવજો, અને હજારોની સંખ્યામાં સરકારને પત્રો લખી મોકલજો. કદાચ છે ને કુંભકર્ણના કાને કાંઈ પડી જાય અને આ ષયંત્ર પર બ્રેક લાગી જાય !
શું તમે પ્રયોગશાળાના ઉંદર છો ?
એક વાર અમારા પાડોશીનો ગૅસનો બાટલો ખલાસ થઈ જવાને કારણે અધૂરું રાયેલું કૂકર અમારે ત્યાં લઈ આવ્યાં. દાળ ઉકાળતી વખતે બીજા મસાલા નાખ્યા પછી ગૉળ માગ્યો. આપ્યો, તો જોઈને કહે - આવો ગૉળ ? અમારા ઘરમાં ન ચાલે. કોઈ દાળને અડે પણ નહીં !
ગૉળ રસાયણમુક્ત હોવાને કારણે પીળો પચ્ચક નહોતો, કોલ્હાપુરી ગૉળથી ગૃહિણીઓ રાજીરાજી. એ જ રીતે રીંગણાં - બટેટાની જેમ સમારાય તેવાં કઠણ ટામેટાથી પણ ખુશ ખુશ ! મગના પણ મોટા દાણા હોય, કાંકરા વીણવા ન પડે તો ઝંઝટ ઓછી ! ભલે ને સ્વાદ ઓછાં હોય. ઉપરથી જાતજાતના મસાલા નાખી,વળી સરસ મજાનું ડેકોરેશન કરીએ, એટલે ખાનાર રાજીરાજી !
પરંતુ આપણા પેટમાં ઠૂંસાતો આ બધો ખોરાક અસલમાં કેવો છે તે જાણવું જાગૃત માણસ માટે જરૂરી છે. વિજ્ઞાનના નામે આજે અન્ય બાબતોની જેમ ખોરાકમાં પણ જાતજાતના પ્રયોગો થઈ રહ્યા છે, એમાં અન્નના દાણામાં રહેલા જીવાણુ રૂપાંતરિત કરી નવા પ્રકારનો દાણો બનાવવાનો પ્રયોગ થઈ રહ્યો છે. જેને જનીન - રૂપાંતરિત અન્ન કહેવાય છે.
જનીન એટલે શું? એકેએક સજીવ પદાર્થના દરેક કોષના કેન્દ્રમાં આ જનીનો આવેલાં હોય છે અને તે કોઈ પણ જીવ માટે પાયારૂપ એકમો છે. માનવ સમેત તમામ સજીવોનાં લક્ષણો, બંધારણ, વિકાસ અને વર્તન માટે આ જનીનો જવાબદાર હોય છે.