________________
મોઢે જ વધુ શોભે. આપણે માટે તો મહાપુરુષોની પ્રણાલિકા પણ શાસ્ત્રપાઠ જેવી જ ગણાય. અસ્તુ.
ચાતુર્માસ શરૂ થવામાં છે. વરસાદનું કોઈ ધોરણ નથી. મોટાં શહેરોમાં ગંદકીજન્ય તથા ગંદા પાણીના સેવનજન્ય વિવિધ બિમારીઓના વાવર વારંવાર સાંભળવા મળે છે. વળી, આ દિવસો આરાધનાના તો છે જ.
એથી આ ચોમાસામાં જીભના સ્વાદ ઉપર અંકુશ મૂકજો. બજારૂ પદાર્થો, હોટલ વગેરેનાં ભોજન, આ બધાંનો ઉપયોગ અવશ્ય ટાળજો. બજારૂ મેંદા, રવા, લોટ અને તે દ્વારા બનેલ ખાદ્ય પદાર્થો, અભક્ષ્ય પીણાં તથા અન્ય તેવાં ખાદ્ય પદાર્થો - આ બધાંનો ઉપયોગ ટાળજો. ઘરના જ બનાવેલા આ બધા પદાર્થોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખજો. આરાધના પણ થશે અને આરોગ્ય પણ જળવાશે.
બ્રેડ, કોક, પેપ્સી, આઈસ્ક્રીમ, વગેરેમાં માંસાહારી પદાર્થો અવશ્ય ઉમેરાય છે. આવા તમામ પદાર્થોનો હમેશાં માટે ત્યાગ કરજો.
(અષાઢ-૨૦૬૨)
આપણે ત્યાં શત્રુંજય, શંખેશ્વર, સમેતશિખર, નાગેશ્વર, મહુડી - આ પાંચ તીર્થોનો ભારે મહિમા છે. તીવ્ર આકર્ષણ છે. તે ક્ષેત્રોમાં નિરંતર ધસારો પણ રહે જ છે. પરંતુ ગિરનારતીર્થ સાવ ઉપેક્ષિત રહ્યું છે. વર્ષે બારવાર પાલીતાણા જઈ શકાય, પણ ગિરનાર પર વર્ષમાં નહિ, પણ પાંચ વર્ષે પણ એકવાર જનાર કેટલા? નેમિનાથ પરમાત્માના ૩-૩ કલ્યાણકોથી પાવન એવું આ એક માત્ર કલ્યાણકક્ષેત્ર ગુજરાતમાં છે. શત્રુંજય પર્વત ગમે તેટલો મહાન હોય, પણ ત્યાં કોઈ ભગવાનનું કલ્યાણક નથી થયું. જ્યારે ગિરનાર પર ત્રણ ત્રણ કલ્યાણક થયાં છે, અને જૈન ગ્રંથો પ્રમાણે આવતી ચોવીશીના તમામ પ્રભુનાં કલ્યાણક અહીં થવાનાં છે. આવા સિદ્ધક્ષેત્ર સ્વરૂપ આ તીર્થની ઉપેક્ષા કેમ? આ પર્વતનું ચઢાણ જરાય કઠિન નથી. સરસ પગથિયાં છે. રહેવા-જમવા માટે યોગ્ય સુવિધા ધરાવતી ધર્મશાળા પણ તળેટી પર છે. કયા ભયથી લોકો આવતા નથી તે સમજ પડતી નથી. અમારો આગ્રહ છે કે હવેથી તમે બધાં વર્ષમાં એકવાર ગિરનારની યાત્રા કરવાનો નિશ્ચય કરજો. અન્ય લોકોને પણ પ્રેરણા કરજો. “જગમાં તીરથ દો વડાં શત્રુંજય ગિરનાર' એવું બોલીએ તો છીએ, પણ તેનો સાક્ષાત અનુભવ કરવાનું તથા લાભ પામવાનું આપણે ટાળીએ છીએ. આ વાત કોઈ રીતે બરાબર નથી. હવે પછી મોટી સંખ્યામાં વારંવાર ગિરિનારની યાત્રા કરવા જજો જ.