________________
ઢોલ વગાડે - માઈક અને ઇકો સાઉન્ડ દ્વારા તે જોરદાર હાનિકર્તા પ્રદૂષણ ફેલાવે. જેમ વધુ મોટા અવાજે વગાડે તેમ બેન્ડ વધુ સારું ગણાય. પાછા તેમાં આપણા ધર્મના ગાણાં-ગીતો તેની પાસે ગવડાવાય. કેવાયે અપવિત્ર હોય, નશો કરેલા હોય, એંઠા માં હોય, છતાં તેના જ મોંએ નવકાર ને એવું બધું ગવડાવાય અને ગર્વ થાય કે આ તો અમારા ધર્મનું ગાય/વગાડે છે! ઘણીવાર મંડળો આ કામ સંભાળે છે ને ઘોંઘાટનું પ્રદૂષણ પ્રસરાવે છે. ટૂંકમાં, આપણે પણ લૌકિકતામાં સરી પડ્યા છીએ જ. લોકોત્તર શાસનમાંય લૌકિકતા ! કેટલાંક ગામોમાં ભગવાનના વરઘોડામાં જ જાતજાતની ખાણી-પીણી આપવામાં આવે છે, અને ભગવાનનો રથ તથા ગુરુમહારાજ હોવા છતાં ચાલુ વરઘોડે બધાં હોંશે હોંશે ખાય-પીએ છે!
ભગવાનનો કે ધર્મપ્રસંગનો વરઘોડો હોય તો તેમાં કાંઈ જ ખવાય-પીવાય નહિ. ત્યાં તો પ્રભુશાસનનો જયનાદ જ કરવાનો હોય. વરઘોડામાં નિમ્ન સ્તરની બેન્ડપાર્ટી તો ન જ હોય, સાથે બોલીને ગીતો વગેરે ગાવા-ગવડાવવાનું પણ ન હોય. ત્યાં તો કલાત્મક અને ક્લાસિક્ત રીતે હાથ-મોં વડે (ક્લેરોનેટ, ટ્રમ્પટ, બ્યુગલ, શ્રમ, સેકસીફોન જેવાં) વાદ્યો વાગતાં હોય, તેમાંથી સંગીતના સ્વરો રેલાતાં હોય, ઈલેકટ્રિકલ ઇન્સ્ટમેન્ટ ન જ હોય, અને વાતાવરણમાં શાંત-મધુરપ્રસન્ન સૂરો પ્રસર્યે જતાં હોય. તો પ્રભુજીના રથ સન્મુખ યુવકોની મંડળી વાજિંત્ર લઈને પ્રભુભકિતનાં ગીતો ગાતી-વગાડતી ધૂન મચાવતી હોય. એવે અવસરે નૃત્ય કે રાસ લેવાય તો તેમાં પણ ફિલ્મી ને હિપ્પી ઢબના કે નવરાત્રિના જેવા નાચ-નખરાં ન હોય, છોકરા-છોકરીઓની ભેળસેળ ન હોય, પણ માત્ર પુરુષવર્ગ હલકભેર રાસ લેતો હોય તે ભક્તિનાં મધુર ગીતો બોલતો હોય. આ મર્યાદાનું પાલન હોય તો જ લોકોત્તરતા જળવાય, નહિ તો નરી લૌકિકતા જ ગણાય.
મૂળ-મુખ્ય મુદ્દો એક જ છે કે જૈનશાસનને લૌકિકતામાં સરી પડતું બચાવીએ, અટકાવીએ, અને તેની લોકોત્તરતાને શક્ય એટલી વધુ જાળવીએ.
(આસો-૨૦૬૦)
ધામિક