________________
પોતાને નિર્દોષ માનીને ચાલવું તે “મિથ્યાત્વ' છે, મિથ્યાભિમાન છે.
પોતાના દોષોને નજરઅંદાઝ કરવા અને અન્યના દોષોને ગાવા તે આપણા જીવનની બહુ મોટી વિરાધના છે, બહુ મોટી ખામી કે ભૂલ છે.
ભગવાનનું શાસન આરાધવું જેને ગમતું હોય તે પોતાના દોષ નિહાળે અને (બને તો જ) અન્યના ગુણ દેખે: આ તેની આરાધના હશે. આ “શાસન એક જ વાત દઢપણે શીખવાડે છે કે અન્યના દોષ જોવાનું ‘મિથ્યાત્વ' અનંત જન્મો સુધી ભોગવ્યું. હવે જો તેમાંથી બહાર આવવું હોય તો અન્યના ગુણ જોવા અને પોતાના દોષ જોવારૂપી “સમ્યક્ત્વ'ની આરાધના ચાલુ કરજો.
પોતાના દોષ દેખી શકે અને અન્યમાં ગુણ દેખી શકે, તથા તે દેખીને રાજી થઈ શકે, તેમજ અન્યના દોષો પ્રત્યે આંખ આડા કાન કરી શકે, તે ખરા અર્થમાં સમ્યત્વવંત બની શકે.
ભગવાન અરિહંતદેવના શાસનની આ અદ્દભુત તથા બીજે ક્યાંય શીખવાસાંભળવા ન મળે તેવી વાત, જો આપણા હૈયામાં બેસી જાય, આપણા જીવનવ્યવહારમાં જો ઊતરી જાય, તો આપણે વગર પ્રયત્ન જ આપણા આત્મકલ્યાણના સાધક બની શકીએ, આપણી જાતને ગુણાનુરાગી બનાવી શકીએ, અને સાવ અજાણતાં જ પરોપકાર પણ આપણાં હાથે થઈ શકે.
અન્યના છતા દોષો/દુર્ગુણો ન જોવા તે પરોપકાર છે. કોઈના દોષની સાચી-જૂઠી વાતો બીજાને કહેવાથી બચવું તે પરોપકાર છે.
આવો પરોપકાર આપણને હિતકારી બનાવે છે. આપણા મનને કષાયની મલિનતાથી બચાવી લે છે. પરિણામે લેવાદેવા વિના સર્જાતી વૈરની અનિષ્ટ કે આત્મઘાતી પરંપરાથી આપણે બચી જઈએ છીએ.
જિનશાસનની આ વાતો કેવી માર્મિક છે! કેટલી તાત્વિક છે! આવું શાસન મને-તમને મળ્યું છે એ વાત જ કેટલી આનંદદાયક તેમજ રોમાંચકારી છે!
આ શાસન આત્માનું, તેને નિર્દોષ બનાવવા દ્વારા, એકાંતે કલ્યાણ સાધી આપે તેવું શાસન છે. એની આરાધના કરવાનું જો ચૂકી ગયા, અને વિરાધનાને જ વહાલી ગણતા રહ્યા, તો આ શાસન બીજા ભવમાં ફરી મળશે એવી આશા રાખવી વ્યર્થ છે.
આપણે નિર્ધાર કરીએ કે વીતી ગયેલા વિરાધનાસભર સમયને તિલાંજલિ દઈશું, અને હવે પછીના સમયને આરાધનાથી એવો તો શણગારીશું કે, વિરાધનાનાં પાપો ધોવાઈ જાય, દોષ-દુર્ગુણો નામશેષ બને, અને અમારું જીવન, અમારો આત્મા અનેક અનેક શુભમય સદ્ગુણોથી અલંકૃત બની રહે.
(કિ. શ્રાવણ-૨૦૬૦)
ધાર્મિક