________________
અમુક વિકટ ગણાતા ગ્રંથનું સખત પરિશ્રમ દ્વારા સંશોધન – સંપાદન કર્યું હોય, તો તેનું ઉજમણું કે ઉત્સવ આપણે ત્યાં થાય ખરો? કોઈ વ્યકિતને કે સંઘને કે સમાજને આવું સૂઝે ખરું? આવા કાર્યમાં ઉત્સવમાં ર૫-૫૦ હજાર ખર્ચવાનું પરવડે ખરું? કે વ્યર્થનો વ્યય લાગે?
ના, આમાં કોઈને ઈનામ કે પુરસ્કાર આપવાની વાત નથી. સ્કૂલી મેળાવડાના અનુકરણ રૂપે આપણે ત્યાં થતાં પાઠશાળાના મેળાવડા જેવા સમારંભની પણ જરૂર નથી. અને ભણનારને પાર્ટી આપવાની પણ વાત નથી. વાત છે ફક્ત આપણા હૃદયમાં, આપણી સમાજચેતનામાં સમ્યગું જ્ઞાન પ્રત્યેના બહુમાન કે અહોભાવને જગાડવાની તથા વિકસાવવાની.
એક સાધુ, એક સાધ્વી કે એક ગૃહસ્થ વિદ્યાર્થી મોટું વ્યાકરણ ભણે, તર્કના મોટાગ્રંથો ભણી જાય, શાસ્ત્ર કે આગમોનું પઠન કરી લે, તો સંઘમાં કેવો હર્ષ, આનંદ અને અનુમોદના છવાવાં જોઈએ ! ઉપાધ્યાય યશોવિજયજીને કાશી ક્ષેત્રમાં ભણવા મોકલવાની વાત આવી, ત્યારે શ્રાવક ધનજી સુરાશાહે વિહારના તથા ત્યાં રહીને ભણે તે માટેના તમામ ધનવ્યયની જવાબદારી, કેવળ શ્રુતજ્ઞાન પ્રત્યેની તથા શાસન માટેની હૃદયની ભકિતથી પ્રેરાઈને સ્વીકારી લીધી હતી. જગદ્ગુરુ - હીરવિજયસૂરિદાદાને ભણાવનારા બ્રાહ્મણ પંડિત વૃદ્ધાવસ્થામાં જગદ્ગુરુને મળવા આવ્યા, તો “મારા ગુરુના જ્ઞાનદાતા” એવા અહોભાવથી છલકતા હૈયે ત્યાં ઉપસ્થિત શ્રાવિકાએ હજારોના દાગીના ત્યાં ને ત્યાં અર્પણ કરી દીધેલા. આવી જ્ઞાનભકિત અને જ્ઞાન માટેની ભાવના આપણામાં જાગે અને તેનો યથાશક્તિ પણ જો અમલ કરીએ તો જ આપણે જ્ઞાનમહોત્સવ ઉજવી શકીએ. યાદ રહે, શ્રુતજ્ઞાન માટેનો મહોત્સવ જ આપણને કેવળજ્ઞાનના મહોત્સવ સુધી દોરી જશે.
જ્ઞાન વિના ચાલતા ઉત્સવોમાં આડંબર વધુ, ભકિત ઓછી; વિરાધના અધિક, જયણા અલ્પ; ક્રિયા ઘણી, વિવેક નહિવતું; વાજાં ને ગાવાનો ઘોંઘાટ વધારે, નિર્દોષતા અને સમર્પણ ભાવ જરાય નહી.
નવલા વર્ષે જ્ઞાન વધારવાનો, જ્ઞાનનું બહુમાન જગાડવાનો, જ્ઞાનના ઉત્સવમાં રસ લેવાનો અને જે કરીએ તે બધું જ - દયા, ક્રિયા, ધર્મ-જ્ઞાનપૂર્વક કરવાનો સંકલ્પ કરશો, તો તે સંકલ્પ કરનારને મહાન લાભ છે.
(કાર્તિક-૨૦૫૯)
ધાર્મિક