________________
શાન્ત્ મંત્રીને આપણે શું કહીશું ? ધર્મી કે ધર્મવિરોધી? સમ્યક્ત્વી કે મિથ્યાત્વી?
હકીકતમાં ધર્મની, શ્રદ્ધાની અને સમ્યક્ત્વની કસોટી આવા જ અવસરે થતી હોય છે. આ બન્ને મહાનુભાવો એ કસોટીમાં સોમાંથી સો ગુણાંકે ઉત્તીર્ણ થયા હતા એમ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે.
આવા રાજા ભોજ જેવા મહાન આત્માઓ સામે હવે ગાંગા તેલી જેવા ઉપરોક્ત નમૂનાઓને મૂકી જોઈએ. બહુ મજા આવશે.
જે આત્માઓએ અજુગતું કામ કર્યું જ નથી, તેમને તેવું દુષ્કૃત્ય કરતાં કોઈએ અને પોતે જોયાં પણ નથી છતાં, માત્ર પોતાના છીછરા અહંને અને વટને ધક્કો વાગે એટલા માત્રથી જ, પૂર્વગ્રહ - પ્રેરિત દ્વેષવૃત્તિથી પ્રેરાઈને અને તેથીયે વધુ, પોતાના દોષો, ખરાબીઓ વગેરેને આ લોકો જાણી ન જાય તેવી ગણતરી રાખીને, નિર્દોષ-નિષ્કલંક આત્માઓ પર અછાજતાં આળ ચડાવે, કલંક લગાડે, તેની વાતને જ્યાં ને ત્યાં કહેતાં ફરે, તેવા લોકોને ધર્મ, સમકિતી, સંયમી કે જૈન કહેવા એ પણ મોહદશાને પોષનારૂં ગણાય.
સાચો ધર્મી અન્યની ભૂલને ઢાંકે. સાચો ધર્મી અન્યને અકારણ તો નહીં જ, પણ સકારણ પણ ના વગોવે.
સાચો સમ્યકત્વી, ભૂલ કરનારને તેવી ભૂલ ત્યજી દેવાનું મન થાય તે રીતે વર્તે. તેની એવી સારવાર કરે કે ધર્મ ચૂકનારો પણ પાછો માર્ગે ચડી જાય.
સમ્યકત્વવંત હોય તે શાસનના એક પણ અંગની કે અંશની, કારણ મોજૂદ હોય તોય નિંદા ન કરે. તે તો સતત ફફડતો હોય કે કોઈના દોષ જોવામાં – ગાવામાં વગોવવામાં ૨ખે મારા હાથે શાસનની લઘુતા થઈ જાય !
ગરીબને જ ધનની જરૂર હોય, ભૂખ્યાને અન્નનો ખપ હોય, અને બિમારને જ સારવારની આવશ્યક્તા હોય; અને તેની જેમ ધર્મને ચૂકી જનારા માણસને જ માર્ગે ચડાવવાનો હોય.
ધર્મી માર્ગે ચડાવે, અધર્મી વગોવે.
સમ્યક્ત્વી સર્વમાં શુભ/ગુણ શોધે.
મિથ્યાત્વી બધામાં અશુભ/પાપ જ દેખે.
આપણે શું થવું છે ? અથવા શું છીએ ? તેનો જવાબ શોધજો, મેળવજો અને
લખજો .
(અષાઢ-૨૦૧૭)
૧૯૩