________________
૨૫
ચાતુર્માસના દિવસોમાં તો તમારે ત્યાં કોઈને કોઈ સાધુ કે સાધ્વી ભગવંતોનો યોગ હશે, અને તેથી ધર્મશ્રવણનો લાભ પણ થોડો-ઘણો લીધો હશે જ. પરંતુ ચોમાસું પૂર્ણ થતાં જ ગુરુભગવંતો તો વિહાર કરી ગયા હોય, પછી શું? લગભગ આઠ મહિનાના આ શૂન્યાવકાશમાં જો ધર્મની પ્રેરણાથી સાવ વંચિત જ રહો તો તો “દળી દળીને ઢાંકણીમાં' નો જ ઘાટ થાય !
ખરેખર તો ચાર મહિના વાવણીના અને વરસાદના છે. બાકીના મહિના લણણી કરવાના છે. વાવેલું ઊગાડીએ, ને પછી લણીએ નહિ તો ? છતે અન્ને ભૂખ્યા રહેવાનું જ થાય ! આ સ્થિતિ આપણા જીવનમાં ન સર્જાય, માટે બે સૂચનો કરવાનું મન થાય છે. રૂચે તો અમલી બનાવજો .
૧. ધર્મનું કોઈપણ પુસ્તક, પછી તે બે કે પાંચ પ્રતિક્રમણના અર્થનું હોય, તત્ત્વજ્ઞાનનું હોય, વ્યાખ્યાનનું હોય કે રાસ કે ચરિત્ર-કથાનું હોય, તેનું વાંચન કરવાનો નિયમ રાખવો. આખા દિવસમાં ઓછામાં ઓછો એક કલાક (અથવા એક સામાયિક જેટલો સમય) તો અવશ્ય વાંચન, સ્વાધ્યાય કે અધ્યયન પાછળ ગાળવો જ. એનાથી જ્ઞાન વધશે, પરિણતિ સુધરશે અને કર્મો ખપશે.
૨. શેષ કાળમાં, વિહાર કરતાં કરતાં કોઈપણ સાધુ-સાધ્વીજી તમારા ક્ષેત્રમાં, ઉપાશ્રયમાં પધારતાં જ રહેવાનાં. તેમનો સત્સંગ કરવાનું અવશ્ય રાખવું, ચૂકવું નહિ જ. એવા સત્સંગના પરિણામે કાંઈને કાંઈ ધર્મલાભ થશે, ધર્મ વિશેની અણસમજ ઓછી થશે અને જીવન વધુ ઉન્નત તેમજ સંસ્કારી બનશે.
સાધુઓના સંસર્ગમાં આવ્યા પછી ઉપર સૂચવેલી બન્ને નાનકડી વાતોનો અમલ કરવાનું તમારે માટે અઘરૂં નહિ જ બને, તેની ખાતરી રાખું છું.
(માગશર-૨૦૧૭)
ધાર્મિક