________________
ભાગ્યે જ ટકાવી શકાય તેવી ચીજ તે આ ધર્મશ્રદ્ધા છે. ધર્મશ્રદ્ધાની ખરી પરખ કટોકટીની પળે જ થતી હોય છે. વિષમ સંજોગોમાં પણ ધર્મશ્રદ્ધાને ડગવા ન દે, ધર્મશ્રદ્ધામાં અડ્યો રહે, અને ધર્મના પ્રભાવે જ હું બચીશ, ટકીશ, અને જીતીશ, એવી દઢતા કેળવી જાણે તેનું ચિત્ત કયારેય આંતરિક અશાંતિ કે ઉદ્વેગનો ભોગ બનતું નથી, અને તેને બાહરી અશાંતિથી ઉગરવાનો ઉપાય પણ સત્વરે જડી જાય છે.
ધર્મની શ્રદ્ધા એટલે મારા પર જે તકલીફ આવી છે, તે મારા આ કે અન્ય ભવના અશુભ કર્મોનું પરિણામ જ છે ; મેં કોઈને જાણતાં-અજાણતાં કનડ્યા હશે, તો તેથી બંધાયેલાં કર્મો મારે આજે ભોગવવાનાં આવ્યાં છે; હવે તો આ કર્મોને હસતાં હસતાં વેઠી લઉં, અને હવે નવાં કર્મો ન બંધાય તેની કાળજી કરું - આવી સમજણ.
આ સમજણની સાથે સાથે જ શુભ ધર્મકરણી પણ એ વ્યક્તિ કરતી જ હોય. અશુભને ઠેલે અને શુભને ખેંચે તેવી કરણી તે ધર્મકરણી. આવી ધર્મકરણીઓ તો અસંખ્ય છે. પરંતુ અત્યારના તબક્કે ખૂબ ખૂબ ખપ લાગે તેવી અને અંતરને આશ્વાસન આપે તેવી એક ક્રિયા અહીં સૂચવવી છે, એ છે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો જાપ.
પ્રવર્તમાન વાતાવરણને લીધે અશાંતિનો ભોગ બનનાર પ્રત્યેક મનુષ્ય, દરરોજ દસ માળા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના નામની ગણે. અચિંત્ય પ્રભાવશાળી એ પ્રભુના નામ-જપના પ્રભાવે સંકટો શમશે જ, વિપ્નના વાદળાં દૂર હટશે જ, અને ઓછામાં ઓછું, આવેલી આપત્તિ સામે ઝઝૂમવાનું બળ તો તેને મળશે જ મળશે. સહુ સુખી રહો ! સહુનું કલ્યાણ હો
(કાર્તિક-૨૦૧૭)