________________
RO
તાજેતરમાં વર્તમાનપત્રોમાં આપણા વ્યાપક સમાજમાં બનતા વિચિત્ર અને અજુગતા બનાવો અંગે વારંવાર હેવાલો છપાતા રહ્યા છે. પિતા દ્વારા પુત્રની હત્યા, પુત્રો દ્વારા પિતાને મારવાની ઘટના, પતિ દ્વારા પત્નીની અને પત્નીના હાથે પતિની હત્યા, આ પ્રકારના અઘટિત અને કલ્પનાતીત બનાવો આ સમાજમાં બનવા લાગ્યા છે, જે ખરેખર કમકમાટી ઉપજાવનારા હોય છે.
આવા બનાવો સંસ્કૃતિ અને સંસ્કારનો ધ્વંસ કરે છે. માનવજાતની વિકૃતિઓને બહેકાવે છે. જેમની પાસે સંવેદનશીલતા નામનું તત્ત્વ જરાક પણ બચ્યું છે તેમને આવા બનાવો દુઃખી કરી મૂકે છે. બાકીની, બે સાંધા ભેગા કરવામાં જ પોતાનો પૂરો સમય ખર્ચી નાખતી, સામાન્ય જનતા માટે આવા વૃત્તાંતો માત્ર સનસનાટી કે મનબહેલાવનું સાધન જ બની રહેતાં હોય છે.
પણ, વિવેકી અને ધર્મના ખપી આત્માને માટે આવી વાતો, હમેશાં, વૈરાગ્યને જાગૃત કરી આપનારી બની જાય છે. આવી અશુભ ઘટનાઓ જાણીવાંચી-સાંભળીને તેના અંતરમાં કેવા ભાવો જાગે છે, તેનું જરા દર્શન કરીશું? રસપ્રદ બને તેવું છે એ દર્શન. આવો, કરીએ.
વિવેકી જણ વિચારે કે, “સંસાર કેવો સ્વાર્થપરસ્ત, ક્ષુદ્ર અને નાશવંત છે! તદ્દન નકામી, નાની એવી જણસ માટે કે જીદ માટે સગો બાપ પોતાના ખોળામાં ઉછેરેલા પોતાના લાડકવાયાને રહેંસી નાખતા વિચાર ન કરે. કે પોતે જેને અઢળક હેત-પ્રીત કર્યા હોય તેવા પુરુષને પોતાની મમત ખાતર કે પછી તેવી કોઈ હલકી વાત ખાતર, ખતમ કરી નાખતાં સ્ત્રીને લેશ પણ થડકારો ન થાય. આમાં સ્વાર્થ અને ક્ષુદ્રતા સિવાય છે શું? ક્યાં જતા હશે એમના પરસ્પર માટેના પ્રેમ, વફાદારીના કોલ, એકમેકને માટે જીવ આપી દેવાની ભાવનાથી મઢેલાં વચનો?
લાગે છે કે જગતમાં સ્વાર્થથી ઊંચું કોઈ મૂલ્ય નથી, કોઈ ચીજ – જણસ નથી. સ્વાર્થ આગળ પ્રેમ લાચાર, સંબંધો દીન લાજ-શરમ, વફાદારી અને મમતાનાં મૂલ્યો પણ નગણ્ય જ. સ્વાર્થ ખાતર બાપ બેટાને હણે. બેટો બાપને મારે. સ્ત્રી પુરુષને છેતરે. પુરુષ સ્ત્રીને તરછોડે. બધું જ સરસ ચાલે આ દુનિયામાં, જયાં સુધી સ્વાર્થ જળવાતો હોય ત્યાં સુધી. જ્યાં સ્વાર્થ જોખમાયો ત્યાં કોઈ કોઈનું નહિ !