________________
પણ જો આપણે આપણો સ્વભાવ શાંત બનાવી શકીએ, ક્લેશ અને ક્રોધ (સ્ટ્રેસ પણ ક્રોધ જ ગણાય)થી તથા મોહજનિત દોડધામથી બચવાનું આયોજન આરંભી દઈએ, બીજાને પછાડવાની વૃત્તિ, પંચાત, અદેખાઈ જેવાં અશુભ તત્ત્વોનો મનમાંથી બહિષ્કાર કરી દઈએ, અને શાંત, પ્રસન્ન અને સ્વસ્થપણે જ બધી કામગીરી કરવાનો ચીવટભર્યો આગ્રહ કેળવીએ, તો સારા વિચારો અને નવકારમંત્ર જેવી ઉત્તમ-પવિત્ર વસ્તુઓ આપોઆપ આપણા હૈયામાં ઊગતી થઈ જ જશે, અને તો ગમે તે પળે ઓચિંતું જ કાંઈ બની જાય તો પણ આપણે દુર્ગતિ ભણી તો નહિ જ ધકેલાઈએ.
આપણું એક જ લક્ષ્ય બંધાવું જોઈએ : આ ભવને દુર્ગતિમાં નથી પલટી દેવો અને મરીને દુર્ગતિ તરફ નથી જવું.
કોઈપણ જાતની બૂરાઈ એ આ જીવનને દુર્ગતિમાં પલટનારું તત્ત્વ છે. મારો નિશ્ચય હો કે હવે પછી હું જીવનમાં વર્તતી અને વધતી સઘળીય બૂરાઈઓને નાથીશ, ઘટાડીશ અને પ્રયત્નપૂર્વક નાબૂદ કરીશ. મારાં જીવન તથા મરણને સુધારવા ખાતર પણ મારે આટલું કરવું જ છે.
અને આ પછી, આની સાથે જ બીજો પણ નિશ્ચય કરવાનો છે કે મારું મૃત્યુ ક્યારે અને ક્યાં થશે એનું ભલે મને જ્ઞાન ન હોય, પરંતુ જ્યાં પણ અને
જ્યારે પણ મારું મૃત્યુ થશે ત્યારે મારા મનમાં શુભ વિચારો જ છલકાતા હશે અને મારી જીભ પર નવકારના શબ્દો હશે.
બરાબર? તો આ નિશ્ચય એ આપણા જીવનનું ભવ-ભવનું ભાતું બની રહો!
(પોષ-૨૦૧૬)
-
ધાર્મિક
ધામિક