________________
૧૮
નૂતન વર્ષનો ત્રીજો મહિનો હવે શરૂ થાય છે. બાર મહિનાનું એક વર્ષ ગણાય, તો તેનો ચોથો ભાગ તો પૂરો થવા આવ્યો ! જોતજોતામાં વર્ષ પણ પૂરું થઈ જશે ! અવસરને વીતતાં શી વાર? અરે, આમ ને આમ જ એક દહાડો જિંદગી પણ પૂરી થઈ જશે; માટે સાવધાન ! નીકળવાનું નિશ્ચિત છે, પણ “કઈ ક્ષણે” તે ખબર નથી. મતલબ કે કોઈ પણ પળે યમદૂત આપણું સરનામું શોધતો આપણે આંગણે આવી શકે છે. ગફલતમાં રહ્યા કે (મર્યા નહિ, પણ) કામથી ગયા !
જવાની પળ જ્યારે આવે ત્યારે, પણ તે પળે આપણે શું કરતાં હોઈશું? વિચારવા જેવી બાબત છે. હોસ્પિટલમાં હોઈશું? ડોકટર સામે દયામણા ચહેરે ટગર ટગર જોતાં જોતાં પડ્યાં હઈશું? કે પછી કોમામાં સરી પડ્યાં હોઈશું? કદાચ ઘરમાં ન પથારીવશ પડ્યા પડ્યા “હવે ઝટ છૂટાય તો સારું એવી દીનતામાં સબડતા હોઈએ તે પણ શક્ય છે. અને હવે તો બસમાં, બાંકડે, કોઈકની (કે પોતાની) ઓફિસમાં કે પછી પથારીમાં ભરનીંદરમાં ઉકલી જવાના બનાવો પણ ઘણા બને છે. કોઈ વાત નહિ, ચીત નહિ, બસ, ઉંઘમાં જ પૂર્ણવિરામ ! કે પછી અકસ્માતમાં કો'કની અડફેટે આવી જઈશું? શું એવું શક્ય બને ખરું કે હું અંતિમ માંદગીમાં બિછાનાવશ હોઉં અને કોઈક ગુરુભગવંતના કે સાધર્મિકના મુખે નમસ્કાર મંત્રનું શ્રવણ કરતાં કરતાં નિરાંતે ચિરવિદાય લઉં?
બને, અવશ્ય બને. જો આપણી તમન્ના અને પૂર્વ-આયોજન હોય તો આવું પણ જરૂર શક્ય બને. પરંતુ અણધારી જગ્યાએ ને અણચિંતવ્યું મોત આવી પડે તો શું કરવું? તે પળે પણ આપણને નવકાર જ સાંભરે, અને સંસારની બીજી એક પણ ઘટમાળ મન પર સવાર ન થઈ જાય, તેવું થાય ખરું?
આ સવાલનો જવાબ, આપણે અત્યારે કેવી રીતે જીવન વીતાવીએ છીએ તેના પર નિર્ભર છે. આપણે ક્લેશ, રઘવાટ, વલોપાત, ભેગું કરી લેવાની ઉતાવળ, બીજાને પછાડી કે દેખાડી દેવાની વેતરણ, ઘરસંસારની રોજની રામાયણઆ બધાં વિશે જ સતત સભાન અને સક્રિય રહીએ, અને દિવસની એક એક પળ આ બધાં પાછળ જ વીતાવતાં રહીએ, તો આપણે નવકારને બદલે હાયવોય અને વલવલાટમાં જ ચાલ્યા જઈએ, અને કદાચ દુર્ગતિ ભણી ધકેલાઈ જઈએ, એવું બની શકે.