________________
૧૫ વિહારયાત્રામાં જેમ જેમ વિચરતા જઈએ છીએ અને નવા નવા ક્ષેત્રમાં નવાજૂના ગૃહસ્થાદિ ગણનો પરિચય થતો જાય છે તેમ તેમ એક વાત મનમાં પાકી થતી જાય છે કે જૈનોમાં અજ્ઞાનનો જ વધુ મહિમા છે, આદર છે અને રુચિ છે; જ્ઞાન અને સમજણ સાથે આ સમાજને ઝાઝી લેવાદેવા નથી રહી. ક્રિયામાં અજ્ઞાન, તપસ્યામાં અજ્ઞાન, આરાધનાઓમાં અજ્ઞાન, સંઘના વહીવટમાં પણ અજ્ઞાન અને
જ્યાં નજર કરો ત્યાં અજ્ઞાન જ અજ્ઞાન ! થયું છે એવું કે આમાં ભૂલમાં પણ કોઈ જાણકાર આવી ચડે અને આ અજ્ઞાનનું નિવારણ કરી જ્ઞાન પ્રસરાવવાનો પ્રયાસ કરે, તો તેનું આવી જ બને ! જેમ ચાલે છે તેમ ચાલવા દેવું, ચલાવી લેવું, પણ કોઈનીય ભૂલ ન કાઢવી; બબ્બે ખોટું કરે તોય તેને થાબડવા જ, આવી નીતિ રાખનારાની જ આજે તો બોલબાલા છે અને જીત થાય છે.
આના પરિણામે ઠેર ઠેર થતાં – થયે જ જતાં અનેકવિધ નુકસાનનો અંદાજ લગાવવો અશક્ય બનતો જાય છે. દેરાસરો અને ઉપાશ્રયો વધ્યાં છે. ત્યાં જનારો વર્ગ પણ અવશ્ય વધ્યો છે. પરંતુ વિવેક? વિવેકને નામે મોટું મીંડું હતું તે વધારે મોટું થયું છે. પાઠશાળાઓ ખલાસ થતી જાય છે. પુસ્તકાલયો, જ્ઞાનભંડારો, મહદંશે સંઘોમાંથી નામશેષ-નાબૂદ થઈ રહ્યાં છે. અને સ્વાધ્યાય જેવી તો ક્યાંય વાત જ નથી રહી. પુસ્તકો ઘરમાં રાખવામાં પણ આજે તો આશાતને સમજવામાં આવે છે, તો વાંચવા ની તો વાત જ ક્યાં છે?
જ્ઞાન અને સ્વાધ્યાય વિનાનો સમાજ, લાંબે ગાળે બેહાલ અને છિન્નભિન્ન બની જાય છે, એ કડવા પણ વાસ્તવિક સત્યને આપણો સમાજ જ્યારે સમજશે? આ ચિંતા હવે સતત મનને પજવે છે.
ગામેગામ યુવક મંડળો અને તે પ્રકારનાં અન્ય વર્તુળો રચાયા કરે છે પરંતુ તે વર્તુળોનો રસ વરઘોડા, મેળાવડા, માઈક, ભાષણબાજી જેવી જાહેર ને ઇતર પ્રવૃત્તિઓ પૂરતો જ મર્યાદિત હોય છે. એમને પુસ્તકમાં અને સ્વાધ્યાયમાં કદાપિ જરાપણ રસ હોતો નથી; કેમકે એમાં વહીવટ ન મળે, ખટપટ ન હોય, વાહવાહ અને સંપર્કો છોડવાં પડે; આ તે કેમ પરવડે? ખરો ધર્મ તો આ બધાંમાં જ છે ને!
બાકી પ્રત્યેક વ્યકિત, દર મહિને, ઓછામાં ઓછું એક પુસ્તકની માવજત કરવાનું નક્કી કરે, તો સંઘની – ઉપાશ્રયની લાયબ્રેરી સમૃદ્ધ, સુરક્ષિત અને સુઘડ બની જાય એમાં બે મત નથી. કાશ, આવું જ્ઞાન આપણા લોકોને કયારે લાધશે? અસ્તુ.
(દ્ધિ. જેઠ-૨૦૧૫)
ધાર્મિક