________________
પુંછડી પટપટાવવાની હોય છે. દુન્યવી કોઈ પણ બાબતમાં એક સફળતા બરાબર દસ વીસ લાચારી - એવું સમીકરણ જરા પણ ખચકાટ વિના માંડી શકાય.
આવી લાચારી-દીનતાનો જેમાં છેદ ઉડાડવાનો છે તેનું નામ દીક્ષા. દીક્ષા લેનાર દીન ન હોય. હીન ન હોય. જ્યાં ને ત્યાં ખાવા-પીવા માટે કે અન્ય આવશ્યકતાઓ માટે ફાંફાં માર્યા કરતો ન હોય કે કોઈ પાસે લટુડાંપટુડાં કરતો ન હોય. ગૃહસ્થોની ગુલામી, પરતંત્રતા અને ગરજ એવા દીક્ષિત આત્માને ન હોવાં ઘટે. એ ત્રણે દીનતાનાં પર્યાય જ છે. ગૃહસ્થની જેટલી વધુ ગરજ તેટલો મુનિ વધુ દીન. ગૃહસ્થની જેટલી ઓછી ગરજ તેટલો તે અદીન.
મુનિદીક્ષા લેનારાને ગૃહસ્થની નહિ, ગુરુની ગરજ હોય. આજે જોકે તેનાથી વિપરીત જોવા મળે છે. પણ તે તો કાળની અપેક્ષાએ સહજ ગણાય. લાખ બકરાં પાકે ત્યારે જ એકાદ સિંહ પેદા થાય તો થાય. બાકી તો બકરાંની બહુમતીનો આ જમાનો છે, એમાં સિંહે પણ પાંજરામાં જ પૂરાઈ રહેવું પડે. પણ પાંજરામાં પૂરાવા છતાં દીનતા ન અનુભવે તેનું નામ સિંહ.
ગૃહસ્થોનું ન હોય, તેવું સગાં-સ્નેહીઓનું પણ બંધન ન હોય, અને બીજાં કોઈપણ બંધનો કે વળગણો ન હોય. બંધનમાત્ર મુનિને દીન અને પરાધીન બનાવી મૂકે છે. પરિણામે દીનતાના ક્ષય માટે અણગાર બનેલ આત્માની દીનતા અક્ષય બનવા માંડે છે. આમ ન થવા દેવાની પ્રક્રિયા જેના ચિત્તમાં સતત અને સજાગપણે ચાલ્યા કરે તેનું નામ જૈન મુનિ.
તો સારાંશ એ કે દીક્ષા લેનાર આત્મા, ગુરુઓની કૃપાના તથા પરમાત્માના અનુગ્રહના બળે પોતાની દીનતાનો ક્ષય કરવાની અને એમ કરીને પોતાના માંહ્યલાનું રૂપાંતરણ તેમજ ઊર્ધ્વકરણ કરવાની પ્રક્રિયા સ્વીકારતો હોય છે.
આવી દીક્ષા લેવાનો સહુ કોઈને અધિકાર છે. એ અધિકારને સમજે અને દીનતાથી ઉગરવા માટે પ્રયાસ કરે તેવા દીક્ષાર્થી આત્માની અનુમોદના કરવી તે શાણા મનુષ્યનું કર્તવ્ય છે. એને બદલે તેની નિંદા કે નિષેધ કરવો તે તો નરી દીનતા ને હીનતા જ ગણાય.
આપણે દીક્ષા ન લઈ શકીએ ત્યાં સુધી, ઓછામાં ઓછું, આવા દીન-હીન થવામાંથી તો બચીએ જ.
(પ્ર.જેઠ-૨૦૫૫)
LEY