________________
હશે? આણંદજી કલ્યાણજી પેઢીને તો જાણે આવી વાતમાં રસ લેવાની જ એલર્જી હોય છે!
પાવાગઢ મૂળ શ્વેતાંબર તીર્થ હતું. આપણી આવી પ્રકૃતિ - પદ્ધતિને કારણે તે હવે દિગંબર તીર્થ છે. પરંતુ ઇતિહાસમાંથી બોધ લેવાનું તથા ઇતિહાસનું રક્ષણ કરવાનું કદાચ શ્વેતાંબરોના લોહીમાં જ નથી. આપણને તો ગમે છે નવા ઇતિહાસનું સર્જન! થોડાં વર્ષ પછી આપણા નવા ઇતિહાસનું ભલે જે થવું હોય તે થાય.
આવા તો અસંખ્ય પાયાના પ્રશ્નો છે. હમણાં વળી નવી ઘટનાઓ શરૂ થઈ છે, ચમત્કારોની. ક્યાંક અમીઝરણાં થાય, ક્યાંક વળી કેસરના છાંટણાં પણ થાય. પણ આ પરંપરાગત ચમત્કારો હવે જરા જૂના – આઉટ ઓફ ડેટ જણાય છે. હવે તો ધરણેન્દ્રદેવ અને ક્ષેત્રપાળ દેવ સાક્ષાત્ હાજર થવા માંડ્યા છે ! ક્યાંક કોઈપણ રૂપમાં સર્પ કે નાગ દેખાય,કે થયું : ક્ષેત્રપાલ દાદા હાજરાહજૂર! ને કાં તો સ્વયં ધરણેન્દ્ર જ માની લેવાના ! પછી દૂધના વાટકા, શ્રીફળ, દીવા, સિંદૂર અને ભાત ભાતની વાયકા તથા માન્યતાઓ અને લોકોનો પ્રવાહ ! ઇતિહાસમાં ધરણેન્દ્ર આ રીતે પરચો આપ્યો હોવાનો દાખલો નથી જડતો. આજે તો એ દૈવી તત્ત્વો પાસે જાણે આવા પરચા આપવા સિવાય કોઈ કામ જ નથી લાગતું ! વિચારકો તરત પૂછે કે આ દેવો આ સ્વરૂપે આવે છે એ વાત ઘડીભર સાચી માની લેવા અમે તૈયાર છીએ. પણ અમારે એ જાણવું છે કે આ રીતે એમના આવવાથી સંઘને કે જૈન શાસનને શો લાભ? સંઘના કોઈ પ્રશ્નો હલ થાય ખરા? તીર્થોના વિખવાદોને શમાવી દે ખરા? અઢળક સમસ્યાઓ શાસનની છે, બધી તે તત્ત્વો ઉકેલી દેવાનું સામર્થ્ય તો ધરાવે જ છે, તો કેમ ન ઉકેલે? બાકી “સંતોષી માની રોટલી કે પોસ્ટકાર્ડ લખવા જેવા પરચાથી સંઘને શો લાભ? સિવાય કે અંધશ્રદ્ધા વધારવાની અને ચોક્કસ હિત-હેતુ ધરાવતા લોકોની પ્રવૃત્તિને પોષતાં રહેવાનું !
વિચારક વિવેકી વર્ગના દિલ-દિમાગમાં આવા અનેકાનેક સવાલો ઘૂંટાયા કરે છે. સ્વાભાવિક ધર્મભીરુતાના કારણે તે વર્ગ આ સવાલોને જીભ પર લાવતાં અચકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે આ બધું દિલથી સ્વીકારી લે છે.
જૈન ધર્મ એ તાત્ત્વિક ધર્મ છે. બુદ્ધિગમ્ય ધર્મ છે. તેને, તેના રહસ્યમય સિદ્ધાંતોને સમજવા-સમજાવવા અત્યંત આવશ્યક છે. આપણે બધા બિનજરૂરી ખ્યાલો અને ભ્રમણાઓમાંથી બહાર આવીશું તો જ આ આવશ્યકતા આપણા ગળે ઊતરી શકશે.
(ફાગણ-૨૦૫૯),