________________
૧૯ વિહારયાત્રા અવિરામપણે શરૂ છે. કચ્છમાં ભદ્રેશ્વરતીર્થની પંચતીર્થી તરીકે ઓળખાતાં પ્રખ્યાત જિનાલયોની યાત્રા કરી, ભુજ થઈને વાગડ-પંથકમાં ઊતર્યા છીએ. આ પંથકનાં વિવિધ ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં કચ્છનું મોટું રણ ઊતરીને રાધનપુર-શંખેશ્વરજી બાજુ આગળ વધીશું.
| કચ્છનાં દેરાસરોનાં દર્શનમાં ઘણો ઘણો આનંદ આવ્યો. દેરાસરોમાંની શિલ્પકળા ખૂબ રમણીય અને દર્શનીય લાગી. આશરે દોઢસો વર્ષો અગાઉ નિર્માણ પામેલાં આ બધાં મંદિરોમાં શિલ્પીઓએ પોતાનું સર્વ કૌશલ્ય રેડી દીધું છે. કચ્છના પથ્થરમાંથી બનેલાં આ મંદિરોની બાંધણી અને કળામાં જે ભવ્યતા ને દિવ્યતા અનુભવાય છે, તે આજે બંધાતાં દુધિયા આરસનાં સ્થાપત્યોમાં ભાગ્યે જ હોય છે.
ધરતીકંપને કારણે કચ્છનું ઘણું ઘણું ધ્વંસ પામ્યું છે, અને જૂનાનું સ્થાન આધુનિક પદાર્થોએ લીધું છે. આમ છતાં, જે થોડુંક પણ જૂનું બચ્યું છે, અથવા ખંડિત કે ધ્વસ્ત સ્વરૂપમાં પણ જે હજી રહ્યું છે, તે પણ ખૂબ ભવ્ય અને અદ્ભુત છે. જૂની ચીજો કે જૂની પરંપરાઓને જીવતી રાખવાના પ્રયત્નો પણ થઈ જ રહ્યા છે. અલબત્ત, પુરાણી ચીજોનો વેપાર કચ્છમાં અત્યારે જબરો ફાલ્યો ફૂલ્યો જણાય છે. જનતાને પણ, ધનની આવશ્યકતા, ભૂકંપ જેવી આપત્તિનો ભય, નવાનો મોહ, જૂની બાબતોથી થતા થનારા લાભો વિશે અજ્ઞાન, આ બધાં કારણે, પોતાની પાસેની મૂલ્યવાન જણસો કાઢી નાખવાનું જ ગમે છે.
લાગે છે કે, કાળ કરવટ બદલે ત્યારે જૂનાનું વિસર્જન અને નવાનું સર્જન આ રીતે હમેશાં થયા કરતું હોવું જોઈએ. કશું જ કાયમી નથી, એ સત્ય આ બધું જોતાં સમજાય.
કુદરત દ્વારા સંચાલિત આ સર્જન-વિસર્જનની પ્રક્રિયા તથા તેનાં પરિણામ નિહાળ્યા પછી હૃદયમાં એક સવાલ સતત ઘૂંટાય છે, આમાં આપણું શું? જેને આપણું માનતા હતા, આપણું માનીને જીવતા હતા, એવું તો કેટકેટલું આપણી નજર સામે જ ધ્વંસ પામ્યું, નષ્ટ થયું, જતું રહ્યું, કાં બદલાઈ ગયું! જે આપણું હતું તે બીજાનું થઈ ગયું, અને આપણું ન હતું તેને આજે આપણું માનીને જીવીએ જ છીએ ! તો ખરેખર આપણું છે શું? આપણું છે કોણ?
કશું જ આપણું નથી. અને કશું જ કાયમી નથી, એ બે સત્યોનો ઉઘાડો