________________
એક સાધુ હોવાને કારણે સંસાર અને તેના સ્વરૂપ વિષે વારંવાર ચિંતન તથા કથન કરવાનું બનતું રહે છે. અને આ એક એવો મુદ્દો છે કે બીજું કશું જ ન આવડતું કે ન ફાવતું હોય તેવો માણસ પણ “સંસાર અસાર છે” કે સંસાર છોડવા યોગ્ય છે એવા વાક્યને, વગર વિચાર્યું પણ, પકડી લે અને બોલવા માંડે તો તે ભાગ્યે જ ખોટો પડે કે નિષ્ફળ જાય. એનો મતલબ એ નથી કે સમજ્યાવિચાર્યા વગર બોલનારો એ માણસ સાચો છે; એનો મતલબ એટલો જ કે લોકો જ એટલા બધા દુઃખી છે અને એવી ઘોર વિડંબનાનો ભોગ બનેલા છે કે તેઓ વગર વિચાર્યું જ પેલા અણસમજુની વાતને સાચી માની જ લેવાના. સંસાર કેટલો બધો વિચિત્ર-ખતરનાક હશે, તે આ ઉપરથી અંદાજી શકાય. તેથી જ તેના સ્વરૂપ વિશે વિચારો ચાલ્યા જ કરે.
સંસાર એટલે ક્લેશ. જ્યાં ક્લેશ નથી ત્યાં સંસાર નથી હોતો. નમક વિના જેમ રસોઈ અલૂણી. તેમ ક્લેશવિહોણો સંસાર પણ અલૂણો, નિદ્માણ, વ્યર્થ બની રહે. ઉપાધ્યાયજી મહારાજે તેથીજ કહ્યું : “ક્લેશ-રહિત મન તે ભવ-પાર.”
આ ક્લેશનું કારણ શું? નદિગ્રામમાં કવિવર મકરન્દ દવે સાથે આ મુદ્દે વિમર્શ થયો ત્યારે તેમણે કહેલું ક્લેશનાં બે કારણ છેઃ અહં અને ઇચ્છા. આ બેય વાનાં સાધનાપથમાં, આત્મશુદ્ધિની આડે આવનારાં, નડનારાં નડતર છે. બેમાંથી કોઈ એકને નાબૂદ કરવાથી કામ ન ચાલે. બન્નેનો નિકાલ થવો જોઈએ.
તો જયાં અહં છે ત્યાં ક્લેશ છે. જ્યાં ઇચ્છા છે ત્યાં પણ ક્લેશ જ છે. અને મજાની વાત તો એ છે કે આ બન્ને એકબીજા પર નિર્ભર છે. અહં ઈચ્છા વિના નહિ ટકે. અને ઇચ્છા પણ અહં હશે તો જ ટકવાની. ફલતઃ બેમાંનું કોઈપણ એક ટળી જાય તો બીજું વિના પ્રયાસે ટળી જ જવાનું. અલબત્ત, સાધકે લક્ષ્ય તો એ બન્નેને નાબૂદ કરવાનું જ રાખવું રહે.
ધારો કે કોઈ એક કામ કરવાની આપણને ઇચ્છા થઈ. ઇચ્છા એટલા માટે થઈ કે એ કામ કરીશ તો મારું નામ થશે, મારું સારું લાગશે અને બોલાશે. આ પ્રકારના અહંભાવમાંથી ઇચ્છા પેદા થઈ. એને પાર પાડવા માટે પછી અનેક જાતનાં આયોજનો વિચાર્યા, તખતા ગોઠવવા માંડ્યા, અને તેને સાકાર બનાવવાની દિશામાં ડગ માંડ્યું. હવે બને એવું કે તે જ પળે આપણને ખબર મળે કે એ કામ તો બીજાએ કરી વાળ્યું છે કે કરવા માંડ્યું છે ! એ વેળા આપણી
ધર્મચિન્તન