________________
૧૪
લગભગ સમગ્ર મહારાષ્ટ્ર ફરતે સહ્યાદ્રિની પર્વતમાળા વિસ્તરેલી છે. એ પહાડી પણ આ વિભાગમાં તો લીલીછમ્મ – વનરાજીથી છાયેલી છે. એ પહાડી સમાપ્ત થાય ત્યાંજ લગભગ ગુજરાતની સીમા ચાલુ થાય છે. ગરમી એ ગુજરાતનું ખાસ લક્ષણ છે. હદમાં પ્રવેશતાં જ ગરમીનો વિશેષ અનુભવ થવા લાગ્યો છે. ટ્રાફિક અને ઈન્ડસ્ટ્રીને કારણે ઉદ્ભવતું – ફેલાતું જબરદસ્ત પ્રદૂષણ, ખેતીવાડી પર ઘોડાપૂર વેગે થતા અતિક્રમણને કારણે લીલોતરી તથા પાણીનાં મુરઝાતા સ્રોતો, નાશ પામતાં જંગલો અને વૃક્ષો અને પર્વતો, સતત વધી રહેલ માછીમારી અને જીવહિંસા, આવાં બધાં કારણોસર આ પ્રદેશનું ઉષ્ણતામાન દહાડે દહાડે વધી રહ્યું છે, જેનો છેડો ક્યાંય દેખાતો નથી.
કાર્તિક વદિ ૫ ના મદ્રાસથી પ્રારંભેલો વિહાર છ મહિને પૂરો થવા આવ્યો છે. ચોમાસું વલસાડ કરવાનું હોઈ હવે આટલામાં જ વિચરવાનું છે. શ્રમિત છીએ. હવે થાક ઊતારવાનો છે.
થાકની વાત આવી તે ક્ષણે જ મનમાં સવાલ જાગ્યો છે કે, થોડા દહાડાની પદયાત્રાનો આપણને થાક લાગતો હોય અને પછી થાક ઊતારવાની ઇચ્છા જાગતી હોય તો, ભવભ્રમણનો – અનાદિકાળથી ચાલતી સંસારની રઝળપાટનો થાક હજી આપણને કેમ નહિ લાગતો હોય? મનુષ્યભવ એવો મુકામ છે કે જેમાં ભવોભવની રખડપાટનો થાક ઊતારવાની સગવડ મળે છે. એ મેળવ્યા પછી પણ થાક ઊતારવાનું મન આપણને કેમ નહિ થતું હોય? ભવભ્રમણનો થાક કેમ નહિ વરતાતો હોય?
જ્યાં સુધી જૈનશાસનયુકત મનુષ્યભવ નહોતો મળ્યો, ત્યાં સુધીના તમામ જન્મો સંસારની રઝળપાટ જેવા જ હતા. અગણિત અવગુણો, અનંત પાપો, નિરંતર દુઃખ - દુર્ભાગ્ય ને દુર્ગતિ - આ જ આપણો કાર્યક્રમ હતો. આ બધાંનો થાક આપણા આત્માને એવો તો ઊંડો અને ઘેરો લાગ્યો છે કે, થાક ઊતારવા માટે આવો એક નહિ પણ અનેક અનેક મનુષ્યજન્મો પણ ઓછા જ પડે. કેટકેટલા ભવો સુધી જિનશાસનની ભાવપૂર્વક આરાધના કરીએ ત્યારે આ થાક માંડ ઊતરે. આજે મળેલો આ ભવ તો એ થાક ઊતારવાની દિશામાં પહેલું પગલું જ માત્ર છે. જો આ જીવનમાં ભવભ્રમણનો થાક લાગી જાય અને તે કેવી રીતે દૂર કરવો તેની કળા શીખી લેવાય, તો આ જીવન સાર્થક બને અને આવતા).