________________
સમર્પણ ; એક જાજરમાન જીવનયાત્રાને
હિમાલયના કૈલાસ શિખરને સર કરવા આખેઆખી જિંદગી લાગી જાય. આ શિખરને સર કરે તે મહાપુરુષ. સતત અને સખત પરિશ્રમ અને ચિંતનના સહારે સહારે મહાપુરુષો ઊંચાઈએ ચડતાં આવતાં આક્રમણો/ઉપદ્રવો ખાળે છે. - જે ઊંચાઈને સર કરતાં, શિખર પર પગ મૂકતાં જિંદગીની જિંદગી વીતી જાય એ ઊર્ધ્વયાત્રાનું વર્ણન શું સહેલાઈથી થઈ જાય એમ! નહિ જ અને ભલે હોય કપરું? પણ કર્યા વગર રહેવાય પણ કેમ? જીવનયાત્રાની વર્ણનયાત્રા પણ એક કપરું ચડાણ.
મારા જેવા કાયર મનુજનું કામ નહિ, છતાં પણ કલમના લડખડાતા કદમે આ નાની શી વર્ણનયાત્રા માંગું છું.
જે ઊંચાઈ નજરે ચડી તેટલી હાશ થશે... હોંશ મળશે. ક્યારેક કલમ અને કાળજું અટકી પડે એક જ કારણસર, આમાં ક્યાંક કચાશ છે, ઓછાશ છે. ખેર! કચાશ રાખવી એ જ મારી દરિદ્રતા છે. આવી મહાયાત્રાના યાત્રીઓનો આપણે ત્યાં કોઈ તોટો નથી. આવી મહાયાત્રાઓની પરંપરાના પૂજય પુરુષ એટલે જ પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. આવા સઘળાય પૂજયો તરફનો આદરભાવ સંસ્કારનું અને જીવનનું અગત્યનું અંગ. - આજે શબ્દો પણ દોડી આવે સ્તુતિ માટે, આદર કાજે... પારકાને વખોડવા જાતને વખાણવા વેડફાયેલા શબ્દો એ તો શબ્દ ભ્રમ.
પારકાને વખાણવા જાતને વખોડવા વપરાયેલા શબ્દો એ તો શબ્દ બ્રહ્મ. ભ્રમ તરફથી બ્રહ્મ તરફનું પ્રયાણ એ જ આપણો આદર. આદરની આદરથી શરૂઆત.