________________
૧૧
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા
– ભગવતીકુમાર શર્મા
સાંસ્કૃતિક સજ્જતા એ મનુષ્યનો જ કહી શકાય એવો વિશેષાધિકાર છે.
સાંસ્કૃતિક સજ્જતા એ જેટલી માણસની ભીતર વસી શકનારી ચીજ છે તેટલી એના બાહ્ય પરિવેશમાં હોતી નથી. એ એના Beingનો એક અવિચ્છેદ્ય અંશ હોય અથવા ન હોય. એ એનાં ભપકાદાર વસ્ત્રો નથી, વસ્ત્રોની નીચે ઢંકાયેલી સુંવાળી કે બરછટ ત્વચા પણ નથી; એ તો ત્વચાની હેઠળ વહેતું લોહી છે. બાહ્ય દૃષ્ટિએ અસંસ્કારી લાગતો માણસ પણ ભીતરમાં સાંસ્કૃતિક સજ્જતા ધરાવતો હોય એમ બને. એ વિના સંતસાહિત્ય અને લોકકલાઓનું આટલું મોટું અક્ષયપાત્ર આપણને ઉપલબ્ધ ન થયું હોત.
સાંસ્કૃતિક સજ્જતાની પણ મહત્ત્વની શરતો હોવાનું મને સમજાય છે : (૧) સહૃદયતા (૨) વિચારશીલતા અને (૩) સ્વાતંત્ર્યપ્રીતિ.
આમાં પાયાનો ગુણ છે સહૃદયતા, સમભાવ. ‘મિત્રચ વક્ષુષા સમીક્ષામદે' એ આપણું ચિરપરિચિત સૂત્ર છે. સહૃદયતાનો ગુણ કેળવવામાં એ મહત્ત્વનું દિશાસૂચન કરી શકે એમ છે. સહૃદયતા કેળવાય છે અંતર્ગત ઋજુતામાંથી, સૂક્ષ્મ સંવેદનશીલતામાંથી, સતત જાગ્રત રહેતા નિતાંત માનવીય દૃષ્ટિકોણમાંથી, વિશાળ અને ઉદાર પરિપ્રેક્ષ્યના સેવનમાંથી તથા હરહંમેશ તત્પર એવી સમજદારીથી.
આ બધા ગુણો સંગીન વૈચારિક ભૂમિકા વડે પિરપોષ પામતા રહે છે. વૈચારિક સજ્જતા માટે વિશાળ અને ઊંડાણયુક્ત વાચન આવશ્યક છે.
મને લાગ્યું છે, કે પત્રકારત્વમાં જે ઝડપ, તાત્કાલિકતા તેમજ Instant વલણો બાંધવાની તથા તત્ક્ષણ અભિપ્રાયો આપવાની જે આવશ્યકતા છે એને કારણે ક્યારેક કોઈક કોઈક પત્રકારની વિચારશક્તિ મર્યાદિત થઈ જવાનો, સહ્રદયતામાં વિક્ષેપ પડવાનો અને એની સાંસ્કૃતિક સજ્જતા ઊણી ઊતરવાનો ભય રહે છે. વૃત્તાંતનિવેદન, વૃત્ત-વરણી, વૃત્ત-સજાવટ વગેરે કામગીરી બજાવતા પત્રકારો માટે ઝડપ, તાત્કાલિકતા વગેરે અત્યંત આવશ્યક પણ છે, પરંતુ જેઓને વિચારપૂત અભિપ્રાયદર્શન તથા સમીક્ષાનું કાર્ય કરવાનું હોય એઓ પણ હંમેશાં તાત્કાલિકતાને વશ વર્તીને જ કામગીરી બજાવે તો એનાં ઇષ્ટ પરિણામો ન પણ આવે.
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા માટે બીજો આવશ્યક ગુણ એ એની સ્વાતંત્ર્યપ્રીતિ. એ પોતાના સ્વાતંત્ર્યની રક્ષા અને અભિવ્યક્તિ માટે તો કટિબદ્ધ હોય જ, , એ સાથે એને અન્યોના સ્વાતંત્ર્યના જતનનો યે-એવો જ ઉમળકો હોય. એમ થવાથી