________________
૯
વિકાસનો આલેખ વાસુદેવ મહેતા
સ્વાતંત્ર્ય પહેલાંનું અને પછીનું ગુજરાતી પત્રકારત્વ એવા બે ખંડ અલગ વિચારવા માટે કેટલાંક સબળ કારણ છે. વિભાજનની રેખા ૧૯૫૦માં મૂકીએ તો એની પૂર્વેના ભાગને પછીના ભાગથી અલગ કરે એવા ત્રણ મુદ્દા છે : ગુજરાતનાં લગભગ તમામ દૈનિકોના આજના માલિકો ૧૯૫૦ પછી ચિત્રમાં આવ્યા છે, અને એમણે આજનાં દૈનિકોની દુનિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ૧૯૫૦ની સાથે આવેલી બીજી નવીનતા અખબારી ક્ષેત્રમાં પ્રવેશેલાં ટેક્નોલોજિકલ સાધનોની છે. હાથમુદ્રણ અને ફ્લૅટ-બેડ રોટરી મશીનોનો યુગ સમાપ્ત થયો અને મોનો ટાઇપ તથા ઘણા વધારે ઝડપી, રંગ-બેરંગી છાપકામ કરતા ટ્યુબ્યુલર રોટરી મશીનોનો યુગ આવ્યો, જેની સાથે અખબારોનાં મૂડીમાળખાં પણ બદલાઈ ગયાં. ત્રીજી ઘટના લોકશાહીના આગમનની છે. સ્વરાજ્ય આવવા સાથે કલમ પરનાં બંધનો ગયાં અને લોકશાહીને પગલે આવેલી મુક્ત ચૂંટણીઓથી અખબારોનો અવાજ ભારે તથા સત્તાવાહી બન્યો. ગુજરાતી વર્તમાનપત્રોનો જે વિકાસ ૧૯૫૦ પછી થયો એમાં ૧૯૫૦ની આસપાસ આવેલી આ ત્રણ નવીનતાઓનો ફાળો મહત્ત્વનો છે અથવા એ નવીનતાઓએ જે કર્યું એમાં ૧૯૫૦ પછીના ગુજરાતી પત્રકારત્વનાં સારાં-નરસાં પાસાં આવી જાય છે.
સ્વાતંત્ર્ય પછી ગુજરાતી વર્તમાનપત્રોનો ફેલાવો એટલો વધ્યો છે કે, એના આંકડા ત્રીસ વર્ષ પહેલાંના ઇતિહાસકારની કલ્પનામાં પણ આવવા મુશ્કેલ હોત. કલાકની ૪૦,૦૦૦- નકલો છાપી, પાનાં ગોઠવીને વાળીને બહાર પાડતાં ટ્યુબ્યુલર રોટરી સામે છાપાનો કંગાળ ફેલાવો હોવાથી એ મશીનોનું શું કરવું એ પ્રશ્ન ૧૯૫૦માં હતો, જ્યારે આજે એવાં બબ્બે મશીનો પણ મોટાં દૈનિકોના ફેલાવાને પહોંચી વળતાં નથી, અને આજે તો મોનો-ટાઇપ તથા ટ્યુબ્યુલર રોટરીના યુગમાંથી પણ નીકળીને ગુજરાતી દૈનિકો ફોટો-કંપોઝ અને ઑફસેટ પ્રિન્ટિંગના યુગમાં પ્રવેશી રહ્યાં છે.
સ્વાતંત્ર્ય પહેલાંનાં વર્તમાનપત્રો માત્ર ચાર, છ કે આઠ પાનાંની દૂબળી કાયાનાં હતાં અને છાપાં તરીકે માત્ર શુષ્ક સમાચાર-સૂચિ જેવાં હતાં. ત્રીસ વર્ષમાં સમાચાર મેળવવાનાં સાધનોમાં એમણે બહોળો વધારો કરવા ઉપરાંત લેખો અને કતારોની મબલખ સામગ્રી ભરી છે. મોટાં દૈનિકોમાં ૩૦ થી ૪૦ વિભાગો અઠવાડિયામાં આવે