________________
તંત્રીલેખો ૫૯ હાથમાં કેવા રમી રહ્યા છે એ આ ‘હા’, ‘ના’ સિવાય એઓ પાસે પ્રજાને કહેવા જેવું કાંઈ નથી એવું ઉત્તર પરથી સ્પષ્ટ થાય છે.
હું સામળદાસભાઈની બાજુમાં જ બેઠો હતો. એટલે ટેબલ નીચેથી પગ અડાડીને મને આ બધા પ્રસંશાગાન સાંભળવાની આડકતરી સૂચના સામળદાસભાઈ આપ્યા કરતા હતા. ઠીક ઠીક વાર સુધી આમ અગ્રલેખનું પ્રસંશા પારાયણ ચાલુ રહ્યા પછી સામળદાસભાઈએ બધાનો ભ્રમ ભાંગ્યો. સામળદાસભાઈના દેખતાં મને સૌએ અભિનંદન આપવાં જ પડે એવી પરિસ્થિતિ એ હતી.
અગ્રલેખની મારી પદ્ધતિ એ છે કે સવારનાં અખબારો આવી જાય એટલે સામાન્ય રીતે મુખ્ય સમાચારો વિગતે વાંચી એમાંથી લખવા જેવો વિષય પસંદ કરી લઉં. જુદાં જુદાં અખબારોમાં એક જ સમાચાર જુદી-જુદી વિગતે આવ્યા હોય એનો અભ્યાસ કરી લઉં અને પછી એના પર અગ્રલેખ લખવાનો આરંભ કરું. અગ્રલેખ લખી રહ્યા પછી સામાન્ય રીતે, એક વાર ફરી જોઈ જાઉં. જ્યારે કાર્યાલયમાં નિયમિત હાજરી અપાતી ત્યારે પ્રૂફ જતી વેળા પણ એ વધારે સારી રીતે વાંચી લેવાય. દરમ્યાન છાપાંઓ વધારે બારીકીથી વાંચી લેવાય. એમાં લખવા જેવા વિષયો ભરપૂર હોય. અનુકૂળ સમયે થોડા થોડા નાના નાના અગ્રલેખો લખાતા જ રહે ને એ પૂરક રૂપે મુખ્ય અગ્રલેખ સાથે મુકાતા રહે. ક્યારેક એવું પણ બને કે છેક છેલ્લી ઘડીએ કોઈ વિશિષ્ટ ઘટના એવી બને કે એની અગ્રલેખ દ્વારા નોંધ લેવી પડે તો એમ પણ થઈ શકે. બીજાં પત્રોના અગ્રલેખો વગેરે અગ્રલેખ લખતાં પહેલાં વાંચવાની મને ટેવ નથી. એ નિરાંતે જ વંચાય.
અગ્રલેખલેખન અંગે વ્યક્તિ વ્યક્તિએ નિરાળી પદ્ધતિ અપનાવાતી હોય છે. એને અંગે કોઈ નિયમ ધારાધોરણ હોઈ શકે નહીં. પણ સામાન્ય રીતે વાચન ને મનનથી વિચારોને પરિપુષ્ટ કરતાં રહેવાથી અને જરૂરી સંદર્ભે હાથવગા રાખવાથી અગ્રલેખલેખનમાં ઠીકઠીક સરળતા આવી રહે છે. વિચારોની સ્પષ્ટતા એની રજૂઆતમાં હોય તો અગ્રલેખોનું વાચન પણ રસભર્યું બને ને સાથે એ માહિતી પ્રેરક પણ બની રહે. સચોટ માર્ગદર્શન પણ એનું મુખ્ય લક્ષણ હોવું ઘટે, અનુભવથી ઘડાતાં ઘડાતાં અગ્રલેખના લેખનમાં પણ સ્વાભાવિકતા આવી રહે અને એવી સ્વાભાવિકતા અગ્રલેખને સુવાચ્ય બનાવતી હોઈ, હંમેશાં આવકારપાત્ર બની રહે છે.
(મૂળ લેખનો સંક્ષેપ)