________________
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ [ ૩૯ ગુજરાતી પત્રકારત્વે વિસ્તરણ સારું એવું કર્યું છે, એમ સ્વીકાર્યા પછી એ સત્યની પણ જેને યાદી અપાવવી પડે છે કે વિસ્તરણ એ વિકાસનો પર્યાય નથી. આજે ગુજરાતી ભાષાનું છાપું ગામડે ગામડે અને ઘરે ઘરે પહોંચતું જરૂર થયું છે, પણ ફેલાવાની સાથે સાથે ગુણવત્તા જાળવવાનું કપરું કામ એનાથી બહુ સિદ્ધ થયું નથી. ગુજરાતી પત્રકારત્વનું આયુષ્ય દોઢસોએક વર્ષનું થયું છે અને એ દોઢસો વર્ષના ગાળામાં એણે ઘણાં નવાં શિખરો શર કર્યા છે, પણ હજી ઘણી બાબતોમાં અપેક્ષાઓ પૂરી કરવાનું બાકી છે. આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને લોકોની વાચનભૂખ ઊઘડી છે, પણ આ વધેલી વાચનભૂખને એણે મહદંશે ઉત્તેજક અને અરુચિકર સામગ્રી વડે સંતોષી છે. અખબારની એક મહત્ત્વની કામગીરી પ્રજાના સંસ્કારઘડતરની છે. આ બાબતમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વની ભૂમિકા ચર્ચાસ્પદ છે. થોડા સમય પહેલાં આપણા બંધારણમાં લોકોના અધિકારોની સાથે ફરજો ઉમેરવામાં આવી હતી, અને એમાંની એક ફરજ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ વિકસાવવા અંગેની હતી. આમ છતાં, ગુજરાતી દૈનિકો જ્યોતિષ ઉપરાંત ચમત્કારોની કથાઓ પાનાં ભરીને છાપ્ય જાય છે. અખબારને લોકશાહીનો પ્રહરી કહેવામાં આવે છે, અને લોકશાહીમાં લોકમત ઘડવાની સાથે લોકરુચિનું પણ ઘડતર કરવાની અઘરી જવાબદારી અખબારે નિભાવવાની હોય છે.
સ્વાતંત્ર્ય પૂર્વેનું સમગ્ર ભારતીય પત્રકારત્વ મહદંશે પ્રયોજનપ્રધાન હતું અને ગુજરાતી પત્રકારત્વના વિકાસની સાથે અઝાદીની લડત એ સમયે જોડાયેલી રહી હતી. આથી, એ સમયનાં અખબારોમાં રાજકીય ઘટનાઓનું પ્રાચર્ય સ્વાભાવિકપણે જ રહ્યું. પરંતુ સ્વાતંત્ર્ય પછી પેલો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થઈ જતાં, અખબારો થોડો સમય સુધી તો ધ્યેયહીન અને દિશાહીન બનીને ભટકતાં રહ્યાં. એ પછી ધીમે ધીમે વિકાસશીલ દેશોના પ્રશ્નોની ભૂમિકા કંઈક બંધાઈ, પણ રાજકારણનું પ્રમાણ ઘટવાને બદલે વધતું ગયું. આજનાં અખબારોને “રાજકારણ-ગ્રસ્ત” કહી શકાય. એટલી હદે રાજકીય ઘટનાઓનું સ્થાન એમાં વધ્યું છે. બીજી તરફ સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓનું કવરેજ' સતત ઘટતું રહ્યું છે. આજે ગુજરાતી અખબારોમાં સાહિત્યિક કટારોનું પ્રમાણ પહેલાં કદી નહોતું એટલું નીચું ગયું છે. કોઈ જાણીતા વિચારક કે લેખકનું ભાષણ છાપામાં છપાયેલું જોવું એ સ્વપ્નવત્ બની ગયું છે. કોઈ નેતા કે પ્રધાન મંદિરમાં દર્શને જાય તો એને પણ મોટી ઘટના માનીને અખબારો પ્રથમ પાને એની તસવીર છાપે છે, પણ કેળવણી કે સાહિત્યના વિષયમાં બનેલી મોટી ઘટનાની નોંધ સુધ્ધાં લેતા નથી. ફિલ્મજગતની ગપસપથી કૉલમો ભરી દેવાય છે, પણ ફિલ્મના માધ્યમની “એકેડેમિક ચર્ચા કરતા લેખો જોવા મળતા નથી. ફિલ્મોની સમીક્ષાએ પણ મોટા ભાગનાં દૈનિકોમાંથી વિદાય લીધી છે.