________________
૩૮ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું ભાગના દૈનિકો પોતાનાં માસ્ટરહેડ દરરોજ જુદા જુદા રંગોમાં છાપે છે. રવિવારની પૂર્તિઓ હવે બહુરંગી બનાવાય છે અને એમાં લે-આઉટની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પૂર્તિની વાચનસામગ્રીમાં પણ અભૂતપૂર્વ વૈવિધ્ય જોવા મળે છે અને ઘરના સૌ સભ્યોને કોઈ ને કોઈ લેખ પોતાના રસ અને રુચિ પ્રમાણેનો મળી આવે એવું આયોજન થાય છે. મોટા ભાગનાં દૈનિકો હવે ફોટો ટાઇપસેટિંગ તરફ વળ્યા હોવાથી ઓછી જગ્યામાં વધુ સામગ્રી સમાવવાનું શક્ય બને છે. માહિતીપ્રદ સામયિકો હવે ઑફસેટ ઉપર છપાય છે અને અત્યારે ઓફસેટનો યુગ જામી રહ્યો છે એમ કહી શકાય. રાજકોટનું દૈનિક “જયહિંદ' ઓફસેટ ઉપર છપાતું પશ્ચિમ ભારતનું કદાચ પ્રથમ દૈનિક હતું. કમ્પોઝની બાબતમાં પણ હવે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. ધીમે ધીમે ફોટો કમ્પોઝ પદ્ધતિનું વિસ્તરણ થતાં પત્રકારત્વની દુનિયામાં હજી નવા પ્રયોગો, નવાં કલેવર જોવા મળશે એ નિઃશંક છે. વૃત્તાંતનિવેદકો હવે સીધા કૉપ્યુટર પર બેસીને અહેવાલ તૈયાર કરે છે.
વૃત્તાંતનિવેદનની બાબતમાં પણ છેલ્લાં પંદરેક વર્ષમાં ગુજરાતી પત્રકારત્વે સારી એવી પ્રગતિ કરી છે એમ નિઃસંકોચ કહી શકાય. દૈનિકોના વૃત્તાંતનિવેદકોની સંખ્યા વધી છે અને જિલ્લાવાર તેમજ પ્રદેશવાર જુદા જુદા પ્રતિનિધિઓ નીમવાની વ્યવસ્થા અમલમાં આવી છે. અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવાં અગત્યના શહેરોમાં ખાસ પૂર્ણ રિપોર્ટરો ઘણાં દૈનિકોએ નિયુક્ત કર્યા છે, અને દિલ્હીની અંતરંગ ઘટનાઓ તથા સમાચારની ભીતરમાં સમાચાર મેળવી આપવામાં આ રિપોર્ટરોએ ઘણા કિસ્સાઓમાં નોંધપાત્ર કુશળતા દાખવી છે. મોરારજીભાઈના ૧૯૭૭ના ઉપવાસ પ્રસંગે જન્મભૂમિ'ના દિલ્હી ખાતેના પ્રતિનિધિએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. દિલ્હીની રાજકીય ઘટનાઓના અંતરંગ આપવાની બાબતમાં ગુજરાતી અખબારો બીજી ઘણી ભાષાનાં અખબારોની આગળ નીકળી જાય એમ છે. કેટલાંક ગુજરાતી દૈનિકોના આવા અહેવાલો અને અગ્રલેખોમાં વ્યક્ત થતા અભિપ્રાયોનો પડઘો દિલ્હીમાં પડતો થયો છે એ એક ગૌરવ લેવા જેવી પ્રક્રિયા છે. રવિવાર ઉપરાંત સોમવાર અને બુધવારે અમદાવાદનાં દૈનિકો ખાસ વિષયો ઉપર લેખો પ્રગટ કરે છે અને વાચક વાંચતાં થાકી જાય એટલી માહિતી પીરસે છે. જિલ્લા મથકોને ઘણાં દૈનિકો કૉપ્યુટરથી સાંકળી લે છે.
એક જમાનામાં દૈનિક પત્ર દૂરનાં સ્થળોએ સાંજે અથવા બીજા દિવસે સવારે ટ્રેનમાં પહોંચતું. આજે અમદાવાદનું દૈનિક છેક પોરબંદર અને વેરાવળ સુધી સવારમાં જ પહોંચી જાય છે. સંખ્યાબંધ દૈનિકોએ આજે પોતાની જુદી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરી છે અને પોતાની ટૅક્સીઓ દ્વારા સવાર પડતાં જ ગામેગામ અખબાર પહોંચતું થાય એવી રચના કરી છે. આને લીધે લોકોને તાજા સમાચારો તરત જ મળતા થાય છે.