________________
પરિસંવાદનો સમારોપ
યશવંત શુક્લ પરિસંવાદના અર્થને શોભે એવો આજે પરિસંવાદ થયો. ઉદ્ઘાટનની બેઠકને અલગ ગણીએ તો આજે એક જ દિવસની અવધમાં પાંચ બેઠકો થઈ. દિવસ આખો આજે અનુભવીઓની જ્ઞાનવાર્તા સાંભળી. અલબત્ત, ઝોક સાહિત્ય કરતાં પત્રકારત્વ ઉપર વધુ રહ્યો, પણ એક રીતે એ સારું થયું. યજમાન સંસ્થાઓમાંની એક તો પોતાની મલ્ટી કોર્સ યોજના અન્વયે પત્રકારત્વના વર્ગો પણ ચલાવે છે. આ વર્ગોને વર્ષભર પહોંચે એટલું ખાજ આટલા એક દિવસના પરિસંવાદમાંથી મળી રહેશે.
વક્તાઓ બધા જ અધિકારી અનુભવીઓ હતા. બધા જ પોતાનું લેસન બરાબર કરી લાવ્યા હતા. મોટા ભાગનાએ તો પોતે તૈયાર કરી લાવેલાં લેખિત વક્તવ્યો રજૂ કર્યા. હું આશા રાખું છું કે આ વિષયના અભ્યાસીઓને મુદ્રિત રીતે એ
ક્યારેક સુલભ કરી આપવામાં આવશે. એ જરૂરનું છે, કેમ કે વક્તાઓએ આજે પ્રામાણીક આત્મનિરીક્ષણનો સંવેદનશીલ અવાજ સંભળાવ્યો છે. વ્યવહારના પ્રશ્નોની પણ ઉત્તમ માંડણી થઈ. એમનાં વિધાનોમાં ક્યાંક અલ્પોક્તિ કે અતિશયોક્તિ હશે, કોઈ કોઈનાં વિધાનો પરસ્પરવિરોધી કે વિવાદાસ્પદ પણ હશે, પણ કોઈ આજે બોલવા ખાતર બોલ્યું નથી. આ પરિસંવાદનું આ મોટામાં મોટું શ્રેય છે. અનાયાસે જ સાહિત્યકારો અને પત્રકારોનો આ પરિસંવાદ એક મંચ બની ગયો. સ્વાદ એનો એવો રહી ગયો છે કે આવા પરિસંવાદ વારંવાર યોજાતા રહે એમાં સાહિત્ય અને પત્રકારત્વ ઉભયનું શ્રેય છે. હરિફાઈઓ પત્રો અને પત્રમાલિકો વચ્ચે ભલે રહેતી હોય; કદાચ વિકાસ માટે સ્પર્ધા જરૂરી પણ બની રહેતી હશે. પણ સ્પર્ધા ધંધામાં હોય, વ્યવસાયમાં હોય નહીં. વ્યવસાયીઓ તરીકે તો પત્રકારો અને સાહિત્યસેવીઓનું લક્ષ્ય એક જ હોય : એમના પોતાના વાચકોને વિકાસમાં સહાયભૂત થવાનું.
પરિષદ માટે તો આ એક atonementનો– પ્રાયશ્ચિત્તનો અવસર છે. ૭૫ વર્ષ પૂર્વે સ્થપાયેલી સાહિત્ય પરિષદ અનેક સંસ્કારપ્રવૃત્તિઓનો વર્ષો સુધી મંચ બની રહેલી. એટલે સાહિત્ય ઉપરાંત ધર્મ, કલા, શિક્ષણ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, પત્રકારત્વ આદિ વિષયવિભાગો પણ પરિષદના અધિવેશનો વખતે રખાતાં હતાં.