________________
પત્રકારની સજ્જતા - ૧૫૧
૧૫મી એપ્રિલ ૧૯૧૩ના દિવસે નવું, વિશાળકાય ટીટેનિક જહાજ તેની પ્રથમ સફરમાં જ ડૂબવા લાગ્યું. ૧૩૦૦ મુસાફરો અને ૮૫૦ કર્મચારીઓને લઈ જતું પ્રથમ કક્ષાનું આ જહાજ એવે સ્થળે ડૂબી રહ્યું હતું કે કશી સહાય મેળવવી અસંભવ હતી. ન્યૂયૉર્કનું ‘ઇન્ડિપેન્ડન્ટ’ અખબાર, આખરી ઓપ પામી, મુદ્રણયંત્ર પર ચડવામાં હતું ત્યાં જ આ સમાચાર આવ્યા. ને તરત પ્રથમ પૃષ્ઠના સમાચારોની ફેરબદલી શરૂ થઈ. ચાર દિવસ પહેલાં જ જેને ભવ્ય વિદાય આપવામાં આવી હતી તે જહાજ અંગેની બધી જ વિગતો મંગાવાઈ, ‘ટીટેનિક’ના ત્રણ મોટા બ્લૉક તૈયાર કરાયા. જહાજી કંપની પાસેથી મુસાફરો અને કર્મચારીનાં નામ-સરનામાં મેળવી લેવાયા, જહાજના કપ્તાન સ્મિથની જીવન-ઝરમર તૈયાર કરાઈ અને ક્ષણે ક્ષણે મળતા સમાચારોને તૈયાર કરી કંપોઝ વિભાગને પહોંચાડાયા. આપ નહીં માનો પણ
આ બધું માત્ર અડધા જ કલાકમાં કરી લેવાયું અને બરાબર ત્રીસ મિનિટ પછી ‘ઇન્ડિપેન્ડન્ટ’ છેલ્લા સમાચાર સાથે મશીન પર ચઢ્યું. વર્તમાનપત્રોના ઇતિહાસમાં આવું ઉદાહરણ ભાગ્યે જ બીજું મળે, પણ એક ‘ઇન્ડિપેન્ડન્ટ’ જે કરી શક્યું તે બીજું કોઈ પણ અખબાર ધારે તો કરી શકે ખરું. વિજ્ઞાન આજે તો ઘણું વિકસ્યું છે. સગવડો ખૂબ વધી છે. અને એટલે અંશે એ જમાનામાં કઠિન ગણાતાં કાર્યો આજે સ૨ળ બન્યાં છે.
આમ છતાં પત્રકારનું જીવન કાંટાળો તાજ છે. બહારથી રંગીલું, ઝમકદાર, રસઝરતું દેખાતું તેનું જીવન ખરેખર એવું નથી. શ્રી ૨મેશ ગૌતમ યોગ્ય જ નોંધે છે : “સાચો પત્રકાર કોઈના કહેવાથી કોઈ થઈ શકતો નથી, કોઈનો બનાવ્યો બનતો નથી. એ તો એક ધૂન છે. જીવનભરની લગની છે, શોખ છે. વશીકરણમંત્ર છે. એક વાર પત્રકાર થયો તે આજીવન પત્રકાર રહ્યો સમજવો. અખબારી જીવનનું જેણે લોહી ચાખ્યું, તેને એની સુરતા લાગી જ સમજવી. એ લત છૂટે, તો જીવ સાથે જાય, તે પહેલાં નહીં. પત્રકારત્વ એક મનોદશા છે. ચિત્તની અટલ સ્થિતિ છે.... એનું ચિત્ત, એની વૃત્તિ, એની કલ્પના, એની કાયાનું રૂંવેરૂંવું પત્રકારત્વની લાક્ષણિક પ્રવૃત્તિઓ માટે તડપે છે.” અને એવી ચિત્તવૃત્તિ સાથે પ્રામાણિકતા હોય, કર્તવ્યનિષ્ઠા હોય, કાર્યક્ષમતા હોય, સાથે સાહસ અને સૂઝ હોય તો આપોઆપ એ પત્રકાર અલગ તરી આવે.
ફ્રાંસમાં Liberty, equality and fraternity – આ ત્રણ શબ્દો ક્રાંતિ