________________
પત્રકારની સજ્જતા ૨૩
'n કિરીટ ૨. ભટ્ટ આજનાં આપણા જીવનનું કોઈ અંગ એવું નથી, કોઈ સમસ્યા એવી નથી જે પત્રકારના ક્ષેત્રની બહાર હોય. અભિવ્યક્તિના આ ક્ષેત્રે એક તરફ આપણા જ્ઞાનનો વિસ્તાર કર્યો છે, જિજ્ઞાસાને સંતુષ્ટ કરી છે તો બીજી તરફ પોતાની જીવંતતાના કારણે જનજીવનમાં પણ પ્રાણ રેડ્યા છે. અક્ષરજ્ઞાન પામેલા માનવીઓનો મોટો ભાગ આજે છાપાં સિવાય ભાગ્યે જ કશું વાંચે છે એ હકીકત સ્વીકારીએ તો કાર્લાઇલના આ શબ્દો સાર્થક લાગે છે. તેણે કહેલું – 'Great is Journalism.' આમ જાહેર પ્રજામતને, આધુનિક સંયોગો હેઠળ, અસર પહોંચાડવાની એની શક્તિ અગાધ છે. પ્રજામતને ઘડવામાં, વિચારો અને અભિપ્રાયોને ધાર્યો વળાંક આપવામાં આ ક્ષેત્રના લોકો પાસે જે સંભાવનાઓ છે તે કદાચ, આટલા પ્રમાણમાં, અન્ય કોઈ ક્ષેત્રના લોકો પાસે નથી. નેપોલિયને આથી જ હજાર બોયોનેટના ભય કરતાં ચાર વિરોધી અખબારનો ભય સવિશેષ હોવાનું કહ્યું હશે. પણ જ્યારે આટલી શક્તિ, આટલો વ્યાપ અને આટલો પ્રભાવ હોય, ત્યારે આ ક્ષેત્રમાં પડેલા પત્રકારોની જવાબદારી પણ આપોઆપ એટલી જ ભારે બની જાય છે. એની સામેનો પડકાર એટલો જ વિરાટ બની જાય છે.
પત્રકારત્વ આજે હવે વ્રત રહ્યું નથી, વૃત્તિ બની ગયું છે. પરંતુ આ સ્થિતિમાંય જો પત્રકારો વિધાયક દૃષ્ટિ અપનાવે, દૃષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડે તો તેઓ પ્રજાજીવનને ઉત્તમતાની શોધમાં મદદરૂપ થઈ શકે એમ છે. કોઈ પણ રાષ્ટ્રનું નવઘડતર કરવામાં રાજકીય અને સામાજિક ક્ષેત્ર, ભાષા અને પત્રકારત્વ આ ચાર ક્ષેત્રોની સુધારણા જરૂરી બને છે. પત્રકાર એટલે સમાજનો સજાગ પ્રહરી’, ‘પત્રકાર એટલે લોકમતનો ઘડવૈયો', “પત્રકાર એટલે લોકસમૂહનાં આંખ-કાન'- આ બધી વ્યાખ્યાઓ જોતાં તો પત્રકાર ગરીબડો' જરાય નથી. હા, જેને બીજો કોઈ ધંધો નથી એટલે આ ક્ષેત્રમાં આવી બેઠા છે એવા પત્રકારોની આ વાત નથી. પરંતુ સ્વતંત્ર વિચાર કરનારા, દૃઢ લોકમત ઘડનારા, ગહન અધ્યયન, સહજ રુચિ, કઠોર પરિશ્રમ, વૈર્ય અનંત કુતૂહલ અને માનવીય વ્યવહારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી હકીકતને કૌશલ્યથી રજૂ કરવાની ક્ષમતા જે ધરાવે છે તેની આ વાત છે અને આવા પત્રકારોની જવાબદારી સવિશેષ છે. સાતત્ય, ક્રિયાશીલતા અને કાર્યાન્વિતિની અપેક્ષા સહેજે તેની પાસેથી રહે છે.