________________
૧૪૮
| પત્રકારત્વ : એક પડકાર
આવી કોઈ શૈલીની વાત ન હોય પણ પહેલા પાનાના સમાચાર-તરજુમાની ભાષા, અગ્રલેખના પાંડિત્યની ભાષા અને જિલ્લાના ગામેગામના ખબરોની ભાષા વચ્ચે જમીન આસમાન જેવું અંતર પડી જતું હોય છે. બાર કે સોળ પાનાંના અખબારમાં વેપારના પાનાંથી માંડીને સિટી પેઇજ સુધીનાં બધાં પાનામાં કોઈ એકસરખી ભાષાશૈલી સંભવી શકે નહીં પણ ભાષાશૈલીની દૃષ્ટિએ શિખરો અને તળેટીઓ હોય તોપણ તે એક જ ગિરિમાળાની લાગવી જોઈએ. વર્તમાનપત્રનું વ્યક્તિત્વ આ રીતે જ ઊપસી શકે. વાચકોની પસંદગીનું પૃથક્કરણ કરીશું તો આ મુદ્દો ધાર્યા કરતાં ઘણો વધુ મહત્ત્વનો ભાગ ભજવતો જણાશે.
સફળતાના કોઈ નિયમો તો નથી હોતા અને એનું કોઈ રહસ્ય હોય તો તે પણ આવા કોઈ નિયમોની રચનામાં સંપૂર્ણપણે ખુલ્લું પડી શકતું નથી. એક નવું અખબાર બધા નિયમોનો ભંગ કરીને સફળ થયાનું એક દૃષ્ટાંત પૂરું પાડે ત્યારે નિયમો ફરી નવેસરથી તૈયાર કરવા પડતા હોય છે. બધાં જ ક્ષેત્રોને આ વાત લાગુ પડે છે. મોટા ભાગે નિષ્ફળતાનાં જ તપાસપંચ હોય છે – સફળતાની દરેક વાત ન્યારી જ હોય છે.
અત્યારે પણ આપણી પાસે થોડાંક સુંદર સામયિકો છે, પણ જે ભૂતકાળમાં હતાં તેનું સ્મરણ કરતાં માત્ર નામો યાદ કરીને અટકી જઈએ છીએ. મણિલાલ નભુભાઈનું પ્રિયંવદા', “સુદર્શન', રમણભાઈનું જ્ઞાનસુધા', આચાર્ય આનંદશંકરનું ‘વસંત', શ્રી વિશ્વવંદ્યનું “મહાકાલ', શ્રી પુરુષોત્તમ વિશ્રામ માવજીનું “સુવર્ણમાલા', હાજી મહમદનું “વીસમી સદી', શ્રી મુનશીનું “ગુજરાત કે વિજયરામનું કૌમુદી' – હજી આમાં ઘણાં નામો ઉમેરી શકાય.
આ સામયિકોમાં જે કંઈ સત્ત્વશીલ હતું એ બધું જ ગ્રંથસ્વરૂપે આપણને મળી ચૂક્યું છે ?
આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે, વિદ્યાસભા, ફાર્બસ, નર્મદ સાહિત્યસભા જેવી બીજી સાહિત્યિક સંસ્થાઓ છે. પ્રતિવર્ષ સંખ્યામાં વધતી જતી કૉલેજો છે, જેનો ધર્મ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવાનો છે. આપણી પાસે થોડા એવા પ્રકાશકો છે જેમણે નક્કર અર્પણ કર્યું છે. આ સૌ જો એક એવો સંકલ્પ કરે કે આપણાં આ સામયિકોમાં રહેલી સમૃદ્ધિને આપણે ક્રમે ક્રમે ગ્રંથસ્થરૂપે ઉપલબ્ધ કરવી છે તો એમાંનું ઘણું જે ટકાવી રાખવા જેવું છે એ ટકી રહે, એટલું જ નહીં, વિશાળ વાચકવર્ગને પહોંચી શકે.
- હરીન્દ્ર દવે (‘કલમની પાંખે'માંથી)