________________
૧૪૩ D પત્રકારત્વ : એક પડકાર
બહુ જ આગ્રહથી વાત કરે ત્યારે તે એમાં ભાગીદાર બની શકતો નથી. મોટા ભાગના વાચકો રાજકીય કબૂલાતમાં એટલા બધા અફર કે અક્કડ હોતા જ નથી અને આથી પોતાનું વર્તમાનપત્ર એક જ બાજુનું વાજું વગાડ્યા ના કરે એટલી આશા રાખે છે. એકંદરે લોકલાગણીને પારખનારાં અને તેને માન આપનારાં વર્તમાનપત્રો અહીં જીતી જાય છે. વર્તમાનપત્રને લોકપ્રવાહ સાથે ચાલવું જ પડે છે. વર્તમાનપત્ર પોતાના વિચારો લોકપ્રવાહની વિરુદ્ધ-પણ વ્યક્ત કરે તો તેથી નુક્સાન થતું નથી પણ તેને જીદનો વિષય બનાવે ત્યારે તેને સહન કરવું પડે છે. ગુજરાતમાં આ રીતે કેટલાંક અખબારો તૂટી ગયાં હોય તેવું બન્યું છે. લોકમતને ઘડવાનું કામ વર્તમાનપત્રો કરે છે, ક૨વું પણ જોઈએ પણ લોકોના માથે પોતાના વિચારો ઠોકી જ બેસાડવા તેવી નીતિ ચાલતી નથી. લોકમત સાનુકૂળ ન હોય તેવા સંજોગોમાં પણ જેમ કેટલાક રાજકીય નેતાઓ પોતાની પ્રતિભાને જોરે તેની ઉપર સવાર થઈને તરી પાર થઈ શકે છે તેમ કેટલાક તંત્રીઓ પણ એવું કરી શકે છે પણ આવા અપવાદો જ હોઈ શકે.
વર્તમાનપત્રની વ્યાવસાયિક સફળતા એટલે એના ફેલાવામાં તંદુરસ્ત વિકાસદરની વૃદ્ધિ અને પ્રજા ઉપરના તેના પ્રભાવનું એકંદર જતન. આ બંને સદ્ભાગ્ય સાથે ના પણ ચાલે. અમેરિકાના ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ જેવા અખબારના ફેલાવામાં મોટી હરણફાળ જોવા ન મળે પણ તેના પ્રભાવમાં ઘટાડો થયો નથી. રાજકીય નીતિ કે બીજી કોઈ પણ બાબતને લીધે તેના વેચાણમાં એક મર્યાદા દેખાય પણ તેની એકંદર સચ્ચાઈમાં વિશ્વાસ ટકી રહે એવું બને છે. તેના દશ લાખ ગ્રાહક ન બંધાય પણ દશ લાખ માણસના વિશ્વાસનું માન તેને મળ્યું હોય. વર્તમાનપત્રનો પ્રભાવ તેના સમાચારોની વિશ્વાસપાત્રતાથી ખાસ વધે છે. તેના કોઈ ને કોઈ સમાચાર ખોટા પુરવાર ન જ થાય તેવું તો ન બની શકે પણ વાચકને એટલો ભરોસો રહે છે કે ખોટા ખબર મળ્યા હશે પણ તેણે જાણીજોઈને ખોટા ખબર છાપ્યા નહીં જ હોય અને કોઈ પણ ખબર આપવામાં વાચકોને ગે૨૨સ્તે દોરવાનો તેનો આશય નથી જ. આવો વિશ્વાસ ટકાવી રાખવા વર્તમાનપત્રને કાનની બૂટ પકડવી પણ પડે છે. અમેરિકાએ ચંદ્ર ઉપર માણસને ઉતાર્યો ત્યારે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સે’ વર્ષો પહેલાં પોતાને ત્યાં છપાયેલી એક ટીકાની માફી માગી હતી. અવકાશયુગ ઘણો દૂર હતો અને તેના આગમનનો કોઈ અણસાર પણ નહોતો ત્યારે એક વૈજ્ઞાનિકના ‘શેખચલ્લી તરંગ’ની ટીકા કરતાં ‘ન્યૂયૉર્ક ટાઇમ્સે' લખ્યું હતું કે માણસ કોઈ બીજા ગ્રહ ઉપર જઈ શકે તે વાત જ અશક્ય છે. માણસ ચંદ્ર પર ખરેખર ઊતર્યો ત્યારે તેણે પોતાની જૂની ટીકા પાછી ખેંચી લીધી. વ્યાવસાયિક સફળતા મેળવવા માગતા વર્તમાનપત્રે ખુલ્લું મન રાખવું જ પડે છે. વર્ષો પહેલાં એક ગુજરાતી અખબારમાં એક ગૃહસ્થના મરણના ખોટા ખબર છપાઈ ગયા. એ ગૃહસ્થ જ્યારે એ અખબાર પાસે દાદ માગવા ગયા ત્યારે તંત્રીએ સુધારો છાપવાની આનાકાની કરી. તંત્રીની દલીલ એ હતી કે છાપું