________________
૧૨૦ | સાહિત્યિક પત્રકારત્વ ભાષાની જરૂર પડે છે. આમાં તળપદી ભાષા વધુ કામ આપી શકે. તે સહેલાઈથી ચોટદાર બનતી હોવાથી અખબારો તળપદી ભાષાનો ખૂબ ઉપયોગ કરે છે. આમ જનતા સાથે કોમ્યુનિકેશન’ સાધવા માટે આ અનિવાર્ય પણ છે. બીજી બાજુ સંસ્કૃતમય શૈલી ધરાવતું હોઈ અખબાર આપણે ત્યાં જોવા નહીં મળે. એવું વલણ ધરાવતું અખબાર બહુ લોકપ્રિય પણ ન નીવડે. વળી જરૂરિયાત પ્રમાણે અખબાર પોતાની આગવી પરિભાષા પણ ઊભી કરી લે છે.
સાહિત્યિક લખાણ અને અખબારની લખાણનો ભેદ એ છે કે સાહિત્ય એ કલાની સભાનતા અને ગંભીરતાથી સર્જેલો કસબ છે, જ્યારે પત્રકારનું લખાણ એ એવા કારીગરનો કસબ છે કે જે ગંભીર અને જાગ્રત હોવા છતાં કલાની સભાનતા દાખવી શકતો નથી. અખબારી લખાણને છાપાની ઝડપ અને સમયની મર્યાદા સાથે તાલ સે કદમ મિલાવવાના હોય છે. અખબારી લેખન પર એક એવો આક્ષેપ કરવામાં આવે છે કે એનું ખૂબ ઝડપી ઉત્પાદન થતું હોય છે, પરંતુ ઝડપથી લખવું તે કોઈ આસાન બાબત નથી. આ માટે લખનાર પાસે વિષયનું વૈવિધ્ય અને શૈલી પાસેથી ધાર્યું કામ કઢાવવાની આવડત હોવાં જોઈએ. મેથ્ય આર્નલ્લે પત્રકારત્વને ‘ઉતાવળે લખાયેલું સાહિત્ય' (Literature written in a hurry) કહ્યું છે. પત્રકારને સાહિત્યકાર જેટલી નિરાંતે લખવાની અનુકૂળતા હોતી નથી. એના પર સમયનો તકાદો હોય છે. સાહિત્યમાં જેટલી અભિવ્યક્તિની મોકળાશ, પસંદગીનું વૈવિધ્ય અને પ્રયોગશીલતા હોય છે એટલી પત્રકારત્વમાં નથી. કારણ કે પત્રકારને પોતાના “બજારની માંગનો સતત ખ્યાલ રાખવો પડે છે. આમ છતાં સાહિત્યમાં વર્તમાનપત્ર આવે છે, એના કરતાં વર્તમાનપત્રમાં સાહિત્ય વિશેષ આવે છે. આથી જ પત્રકારત્વ એ સાહિત્યિક રચનાનું પ્રવેશદ્વાર ગણાય છે. કારણ કે એની પાસેથી લેખકને આવશ્યક પૂર્વભૂમિકા અને તાલીમ મળી રહે છે. ઘણા ખ્યાતનામ સર્જકો પહેલાં પત્રકારો હતા અને પછી પ્રસિદ્ધ લેખકો બન્યા.
અખબારનું મોટા ભાગનું લખાણ સમયની ફ્રેમમાં મઢાયેલું હોય છે. આનો અર્થ એવો નથી કે અખબારમાં આવતું બધું લખાણ પ્રાસંગિક અને ક્ષણજીવી હોય છે. બીજી રીતે વિચારીએ તો સાહિત્યમાં પણ કેટલું સર્જન ચિરંજીવ હોય છે ? કાળના પ્રવાહમાં કેટલી બધી કૃતિઓ વિસ્મૃતિથી વીંટળાઈ ગઈ હોય છે ! આથી એમ કહી શકાય કે સાહિત્યના ઉત્કૃષ્ટ સર્જનની માફક પત્રકારનું ઉચ્ચ કોટિનું લખાણ પણ ચિરંજીવ બને છે.
ઘણી વાર આજનું અખબારી લેખન આવતી કાલનું સાહિત્ય બનતું હોય છે. ચાર્લ્સ ડિકન્સની વિખ્યાત નવલકથા “A Tale of Two Cities' પહેલાં “All the Year Round” નામના સામયિકમાં પ્રગટ થઈ હતી. વખત જતાં એને સાહિત્ય