________________
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ | ૧૧૯
લખાણમાં સાહિત્યિક તત્ત્વ આવે છે. પોતાના લખાણને સાહિત્યિક સ્પર્શ આપવા માટે પત્રકાર શબ્દને કલ્પનાનો સ્પર્શ આપીને તેનો પ્રતીકાત્મક ઉપયોગ કરે છે. વર્તમાનપત્રમાં પ્રગટ થયેલો લેખ એ સાહિત્ય છે એવી જાડી ગણતરી સામાન્ય રીતે પ્રવર્તે છે. આનું કારણ એ છે કે સાહિત્ય ને પત્રકારત્વ બંનેનું માધ્યમ ભાષા છે. ભાષાની અભિવ્યક્તિ માટે બંને સભાન પ્રયત્નો કરતા હોય છે અને નિરૂપણની ખૂબીઓ મેળવવાનો પણ સાહિત્યકાર અને પત્રકારનો પ્રયાસ હોય છે.
સાહિત્યકાર વાસ્તવિક પરિસ્થિતિને પોતાની અનુભૂતિમાં રસીને મૂકે છે, જ્યારે પત્રકારને એવું કરવાનું હોતું નથી. આથી પત્રકારના લખાણની કિંમત સમાચારરૂપ વસ્તુના તાજા વાચનમાં રહેલી છે, જ્યારે સાહિત્યની અસર સંવેદન જાગ્રત કરવા રૂપે હોવાને લીધે એ ચિરંજીવ હોય છે. તેથી સાહિત્ય જ્યારે વાંચો ત્યારે તાજગીનો અનુભવ કરાવે છે. આજના સમાચાર આવતી કાલે વાસી બને છે. પણ કવિતા ક્યારેય વાસી બનતી નથી. વર્તમાનપત્રની તત્કાળ અસર ઘણી મોટી થાય છે, આથી જ પ્રજામાં મોટાં આંદોલનો ઊભાં કરવામાં, ક્રાંતિ લાવવામાં, લોકશાહીને સુસ્થિત કરવામાં કે જિવાડવામાં વર્તમાનપત્ર અગત્યનું પરિબળ ગણાય છે.
ભાષાના વિકાસ સાથે જેટલો સાહિત્યને સંબંધ છે, તેટલો જ બલકે એનાથી વિશેષ સંબંધ પત્રકારત્વને છે. વર્તમાનપત્રે પોતાના ઉપયોગ માટે ભાષાને વિશિષ્ટ રીતે ખીલવી છે. ચિત્રાત્મકતા, ઉદ્ધોધન, ભાવસભરતા, જુસ્સો – આ બધાંની વર્તમાનપત્રને જરૂર પડે. આથી ભાષાને એણે એ રીતે ખીલવવા પ્રયાસ કર્યો છે. એક રીતે તો અભિવ્યક્તિ માટે સાહિત્યકાર કરતાં પણ પત્રકારને સતત પડકાર ઝીલવાનો હોય છે. નવલકથામાં રાજદરબારનું વર્ણન કરવાનું હોય, તો “સરસ્વતીચંદ્ર' ભાગ૧માં આવતું ભૂપસિંહના દરબારનું વર્ણન યાદ કરીએ; પરંતુ પત્રકારને તો આ દુનિયામાં વખતોવખત થતા જુદા-જુદા રાજ્યાભિષેકોના અહેવાલો લખવાના આવે છે. નેપાળના રાજાનો કે ઇંગ્લેન્ડની રાણીના રાજ્યાભિષેક વખતે તદ્દન વિરોધી પરિસ્થિતિઓનો એણે સામનો કરવાનો હોય છે. એથીયે વિશેષ કેટલાક બનાવો એવા બને છે કે જે પત્રકારની કલમની, એની નિરૂપણશક્તિની અગ્નિપરીક્ષા બની રહે છે. માનવી અવકાશમાં ચાલ્યો કે માનવી ચંદ્રની ધરતી પર ઊતર્યો એ ઘટના અને એના રોમાંચને સાકાર કરવા પત્રકારનું શબ્દસમર્થ્ય કસોટીએ ચઢે છે. તેનામાં રહેલી સર્જકતા અભિવ્યક્તિ વખતે એની મદદે આવે છે. પ્રથમ અણુબોમ્બથી સર્જાયેલો માનવસંહાર બતાવવા માટે કે ભારતના અણુપ્રયોગની જગતને જાણ કરવા માટે પત્રકારને ખૂબ પરિશ્રમ ખેડવો પડે છે.
પ્રજામાનસ પર તત્કાળ અસર કરવા માટે પત્રકારત્વને જોશીલી અને બળકટ