________________
૧૧૨ સાહિત્યિક પત્રકારત્વ લઈને પ્રત્યક સામયિકમાં પ્રગટ થયેલાં મહત્ત્વનાં કૃતિઓ-લેખોની યાદી કરીને સરખાવીએ તો દરેક સામયિકની વિભિન્ન મુદ્રાઓનો કંઈક અંદાજ આવે.
ત્રીજા પ્રકારનાં વિવિધ વિષયોનાં, પણ સાહિત્યની મુખ્યતાવાળાં – સામયિકોનું પ્રમાણ હવે ઘટતું ચાલ્યું છે. આપણાં બધાં જ મહત્ત્વનાં પૂર્વકાલીન સામયિકો મહદંશે આવા વ્યાપક પ્રકારનાં હતાં – ‘બુદ્ધિપ્રકાશ', ‘સુદર્શન', ‘વસંત', “પ્રસ્થાન', “સંસ્કૃતિ' આદિ. “કૌમુદી'થી કેવળ સાહિત્યના સામયિકની દિશા વધારે સ્પષ્ટ થતી ચાલી જે સ્વાતંયેત્તર સામયિકોમાં વધુ કેન્દ્રિત બનતી ગઈ. છતાં આજે પણ “કુમાર', નવનીતસમર્પણ' આદિ સામયિકો આ પ્રકારનાં છે જેમાં સાહિત્યકૃતિઓ અગ્રિમ સ્થાને છે. સાહિત્યિક પત્રકારત્વની આ સૌથી વ્યાપક, ખુલ્લી દિશા છે કે આ પ્રકારનાં સામયિકોનો ગ્રાહક-વાચકવર્ગ પણ સ્વાભાવિક જ વધુ મોટો રહેવાનો.
આપણાં સાહિત્ય-સામયિકોની આ પરિચયરેખા આછી-પાતળી છે. પણ એના પરથી આપણી સામયિક-પ્રવૃત્તિનો એક પાયાનો નકશો તો મળવાનો જ. સાહિત્ય વિશેના, સાહિત્યની જીવન સાથેની નિસબત વિશેના દૃષ્ટિકોણની ભિન્નતાએ આપણા સાહિત્યિક પત્રકારત્વને અનેક-પરિમાણી તો બનાવ્યું જ છે, ભલે એનાં કેટલાંક પરિમાણો કાચાં કે નબળાં રહી ગયાં હોય. સંપાદકોનાં જહેમત અને (ખુવાર થવા સુધીની) સમર્પણશીલતા, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને વલણો બાબતેનું એમનું નેતૃત્વ, એમની યુયુત્સા અને સમન્વયશીલતા, એમની સૂઝ અને એમના અભિનિવેશો, એ બધાંએ – ભલે દરેકેદરેક સંપાદકે ચિરકાલી પ્રભાવ પાથર્યો હોય, પણ – સાહિત્યમાં પટ ઉપર એક વિશિષ્ટ-આકર્ષક ભાત તો ઉપસાવી જ છે.
પત્રકારત્વથી જુદું પડી રહેતું અને વર્તમાનપત્રોમાં ચાલતી સાહિત્યચર્ચાઓ કરતાં વધુ પ્રભાવક રહેલું આ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યની તત્ક્ષણનો હિસાબ આપવા ઉપરાંત અને વિશિષ્ટ આબોહવા રચવા ઉપરાંત સાહિત્યના ઇતિહાસને રચનારી પણ એક મહત્ત્વની પીઠિકા બની રહેલું છે.
* આવી તુલનાસામગ્રી પૂર્વનિર્દિષ્ટ, ‘શોધ નવી દિશાઓની'માંના લેખમાં રજૂ થયેલી જોઈ
શકાશે.