________________
૧૧૦ | સાહિત્યિક પત્રકારત્વ
આ સામયિકોની વાત એમને ત્રણેક પ્રકારમાં વહેચીને કરવી સગવડરૂપ બનશે : (૧) કોઈ એક વિષય-વિશેષને વરેલાં – કેવળ કવિતાનાં કે ગદ્યનાં કે વિવેચન વિશેનાં; (૨) સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરનારાં અને (૩) વ્યાપક પ્રકારનાં – વિવિધ વિષયનાં પણ સાહિત્યની મુખ્યતાવાળાં.
બે-અઢી દાયકાથી ચાલતું “કવિતા” આકર્ષક, કંઈક વૈભવી નિર્માણવાળું, કવિઓના ફોટોગ્રાફ પણ છાપનારું ને હસ્તાક્ષર-વિશેષાંકો કરનારું, વિદેશી કવિઓની કવિતાના અનુવાદો પણ પ્રગટ કરનારું; લાક્ષણિક નિર્માણ-કૌશલ ઉપરાંત સર્વપ્રિય કવિતાથી લોકપ્રિય બનેલું, સુરેશ દલાલ સંપાદિત સામયિક છે. એની સામે કવિલોક' સાદું છતાં સુઘડ, મુદ્રણસજ્જાની પણ સૂઝવાળું, સામ્પત કવિતા ઉપરાંત થોડાંક કવિતાવિષયક ટૂંકાં, ક્યારેક સઘન વિવેચનલખાણો પણ પ્રગટ કરનારું ગુજરાતી કવિતાનું ઋતુપત્ર છે. વર્ષો સુધી રાજેન્દ્ર શાહે એ ચલાવ્યું – પછી ધીરુભાઈ પરીખ ને હવે હેમંત દેસાઈ એના સંપાદકો છે.
સાહિત્યસર્જનના નૂતન આવિષ્કારોને પ્રમાણવાના સંકલ્પ સાથે ભરત નાયકે ૧૯૮૧માં આરંભેલું ગદ્યપર્વ' સર્જનાત્મક ગદ્યનું - વિશેષ નવી ટૂંકી વાર્તા વિશેનું - એક ધ્યાનાકર્ષક સામયિક છે. નાટક અને રંગભૂમિ વિશેનાં સામયિકો ગુજરાતીમાં બહુ લાંબું ચાલ્યાં નથી – વર્ષો પહેલાં “એકાંકી' નામે એક સામયિક ગુલાબદાસ બ્રોકરે ચલાવેલું. હમણાં જ “નાટક' (૧૯૯૮) નામે એક સામયિક હસમુખ બારાડીની મુખ્ય સક્રિયતાથી આરંભાયું છે એ સુચિહ્ન છે.
વિષયવિશેષનાં સર્જનેતર વિષયનાં સામયિકોમાં, દાયકા ઉપર ચાલીને પછી સમેટાયેલા, કેવળ ભાષાવિજ્ઞાનને વિષય કરતા “ભાષાવિમર્શ' (૧૯૭૮-૧૯૯૦)નો ઉલ્લેખ કરવો જ જોઈએ કેમકે એ વિષયના તજ્જ્ઞ ડૉ. હરિવલ્લભ ભાયાણીએ એ વિષયના અભ્યાસીઓને લેખન સક્રિય કરીને ઝડપથી વિકાસ પામતા આ શાસ્ત્ર વિશે ઘણી મૂલ્યવાન સામગ્રી સંપડાવી આપી હતી. કેવળ વિવેચનને પ્રગટ કરતું એસ. એન. ડી. ટી. યુનિ.નું ‘વિવેચન' (૧૯૮૨-૮૪), ઓછી ગ્રાહક-વાચક સંખ્યા અસ્વીકાર્ય લાગવાથી એના સંપાદક સુરેશ દલાલે ૧૦-૧૨ અંકો પછી સમેટી લીધેલું. પરંતુ આ જ વિષયનું, ફાર્બસ ગુજરાતી સભાનું “ત્રમાસિક' (૧૯૩૬) આજ સુધી ચાલતું રહ્યું છે – સંગીનતાથી. સાહિત્યવિવેચન-સંશોધન તેમજ અન્ય વિદ્યાશાખાઓના માતબર અને દીર્ઘ અભ્યાસલેખોને પ્રગટ કરતું આ સામયિક સાહિત્યના અભ્યાસીઓમાં તો
* આ સામયિકો વિશેની વિગતવાર ચર્ચા માટે જિજ્ઞાસુઓ “શોધ નવી દિશાઓની
(સં. શિરીષ પંચાલ)માંનો મારો લેખ (પૃ. ૧૩૨ થી ૧૫૩) જોઈ શકે. – ૨.